• ગુરુવાર, 25 જૂન, 2026

વેતનના મુદ્દે સફાઈ કર્મચારીઓની હડતાલ

ભુજ, તા. 24 : ભુજ નગરપાલિકામાં આઉટસોર્સ સફાઈ કર્મચારીઓએ છેલ્લા છ માસથી અનિયમિત વેતન અને સુરક્ષા સહિતના અન્ય પ્રશ્નોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. આ સમસ્યાના ઉકેલની માંગ સાથે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના ટ્રેડ યુનિયનના નેજા હેઠળ 160થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા. ધારાસભ્ય, કલેકટર સહિતને પાઠવેલા આવેદનમાં જણાવાયા મુજબ સફાઈ કર્મચારીઓ નિયમિત ફરજ બજાવી રહ્યા હોવા છતાં સમયસર વેતન મળતું નથી. અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં સમસ્યા ઉકેલાઈ ન હોવાની ફરિયાદો કરાઈ હતી. વેતનના વિલંબને કારણે કર્મચારીઓ તથા તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના જવાબમાં નગરપાલિકા તરફથી બિલ મંજૂર કરી સમયસર ચૂકવણી કરવામાં આવતી ન હોવાથી કંપની દ્વારા પગારની ચૂકવણીમાં વિલંબ થવાની પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું સંબંધિત કંપની દ્વારા જણાવાયું હતું. કર્મચારીઓના પ્રશ્નોને સાંભળી ભુજ સુધરાઈ કારોબારી ચેરમેન કમલ ગઢવી, સેનિટેશન ચેરમેન મનુભા જાડેજા તેમજ કંપનીનાં મેનેજર સોનુ શર્માએ નિયમિત વેતન મળી રહે તે માટે ચોક્કસ પગલાં લેવાશે તેવી મૌખિક ખાતરી આપતાં હડતાળ સમેટાઈ હતી. જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલા, ઉપાધ્યક્ષ હરેશભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ ભરતભાઈ વાઘેલા, ધીરજભાઈ રાઠોડ, મગનભાઈ મકવાણા, સુરેશભાઈ કબીરા, કિશોરભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd