• ગુરુવાર, 25 જૂન, 2026

અંજારમાં ચોંકાવનારું કૌભાંડ : શ્રમિકના નામે બોગસ સહી કરી ડમ્પર ટ્રાન્સફર

ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર કહી શકાય તેવો દસ્તાવેજી ફોર્જરી અને છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક નિર્દોષ અને રોજનું કમાઇ ખાતા શ્રમિકને જાણ વગર તેનાં નામે કાયદાકીય કાગળો પર ખોટી સહીઓ કરી ડમ્પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ વાહનનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં થતો હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સિનુગ્રા ગામના જૂનાવાસમાં રહેતા અને મોટા વાહનોમાં કવર કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર હનિફ અલીમામદ કકલે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 23/6ના આ ફરિયાદી યુવાન પોતાનાં કામ ઉપર હતો ત્યારે બપોરના અરસામાં ગામના પોસ્ટમેન તેમના ઘરે સરકારી સફેદ કવરમાં એક ગાડીની આર.સી. બુક આપી ગયા હતા. ફરિયાદીના પત્ની રઝિયાબેને આ અંગે જાણ કરતાં આ યુવાન તાત્કાલિક ઘરે દોડી ગયો હતો. જ્યારે તેમણે અને ભત્રીજા ઇરફાને આ સરકારી દસ્તાવેજ તપાસ્યા ત્યારે સૌ કોઇ ચોંકી ગયા હતા. વાહનવ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મોકલાયેલી આ આર.સી. બુક ડમ્પર વાહનની હતી, જેના નોંધણી નંબર જી.જે.-12-એ.ટી.- 9880 હતા અને તેના માલિક હનિફ કકલ તથા તેમનું સરનામું દર્શાવાયું હતું. ફરિયાદીએ ક્યારેય આવું વાહન ખરીદ્યું નહોતું. તેમને શંકા જતાં એલ.સી.બી.નો સંપર્ક કરતાં આ વાહન તો દુધઇ પોલીસ મથકે લાખોના દારૂમાં જપ્ત કરાયું હોવાનું બહાર આવ્યું હતું. અહીં તપાસ કરાયા બાદ કૌભાંડીઓનાં નામ બહાર આવ્યાં હતાં. દબડા અંજારના રાજેશ આહીર અને આર.ટી.ઓ. એજન્ટ રાહુલ રામજી આહીર (મકવાણા)એ મળીને સવરાજ સામત લાખાણી (રહે. ઝરપરા)ની માલિકીનું આ ડમ્પર ફરિયાદીની જાણ બહાર ટ્રાન્સફર ફોર્મ (ટી.ટી.ઓ. ફોર્મ)માં તેમની સહી કરી અંજાર આર.ટી.ઓ.માં કાગળો આપી તે વાહન ફરિયાદીનાં નામે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું અને આ વાહન દારૂની હેરફેરમાં ઝડપાયું હતું. આર.ટી.ઓ. કચેરીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં રાહુલ મકવાણા (આહીર)ને ઝડપી લેવાયો હોવાનું તપાસકર્તા પી.એસ.આઇ. સી. એમ. ચૌધરીએ જણાવ્યું હતું. 

Panchang

dd