• ગુરુવાર, 25 જૂન, 2026

14 ઈંચ સાથે મુંબઈને ધમરોળતા મેઘરાજા

મુંબઈ, તા. 24 : મહાનગર મુંબઈમાં મંગળવારે મંગળ મંડાણ કર્યા બાદ ચોમાસાંએ ભલે 13 દિવસ મોડી પણ મૂશળધાર શરૂઆત કરી છે. છેલ્લા 24 કલાકમાં 350 મિલીમીટર એટલે કે, 14 ઈંચ જેટલા અનરાધાર વરસાદથી માર્ગો પર જળબંબાકાર થઈ ગયો હતો. મોસમ વિજ્ઞાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા દાદર, અંધેરી, બાંદ્રા અને સાથે પાલઘર માટે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં હવામાન વિભાગે આંધી-તોફાનની ચેતવણી પણ આપી હતી. મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકી વિસતારો, તેલંગાણા અને ઓરિસ્સાની સાથે છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અમુક હિસ્સામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું.  અલબત્ત, મુંબઈના જનજીવને વરસાદથી ગરમી, ઉકળાટમાં આશ્વાસનરૂપ રાહત અનુભવી હતી, પરંતુ અનેક રસ્તાઓ, વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પરેશાની પણ વેઠવી પડી હતી. ઘણાં વૃક્ષો ઊખડી ગયાં હતાં. રાતભર વરસેલો વરસાદ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ અસર અંધેરીમાં જોવા મળી છે. અંધેરી સબ-વે (અંડરપાસ) આખેઆખો પાણીથી ભરાઈ જતાં સુરક્ષાના હિતમાં તરત બંધ કરી દેવાયો હતો. રસ્તાઓ ડૂબી જવા સાથે ભારે વરસાદથી હિન્દમાતા, કિંગ્સ સર્કલ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં અનેક માર્ગો પર લાંબા સમય સુધી ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતા.  મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ભાગોમાં મધ્યથી તેજ અને ક્યાંક ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ નવ દિવસના વિલંબ બાદ અંતે ચોમાસું પહોંચી ગયું છે. આમ, વરસાદી મોસમ હવે દેશના 22 રાજ્યોમાં પહોંચી ચૂકી છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે ચોમાસું મધ્યપ્રદેશમાં પહોંચી ગયું હોવાની સત્તાવાર ઘોષણા કરી હતી. પ્રદેશના બાલાઘાટ, ડિંડોરી, અનુપપુર, સિવની, છિંદવાડા, બૈતુલ, ખંડવા, હરદા, બુરહાનપુર, બડવાનીમાં વરસાદ થયો હતો. અરૂણાચલ પ્રદેશમાં તો છેલ્લા એક સપ્તાહથી  ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે કીયી પન્યોર જિલ્લામાં નિપકો પ્રોજેક્ટની કોલોનીમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ત્રણ લોકો લાપતા થયા હતા. ચોમાસું તેલંગાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે. આવનારા બેથી ત્રણ દિવસમાં ઉત્તરપ્રદેશમાં પણ પહોંચી જશે. - દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ છડી પોકારી : હવામાન વિભાગની વિધિવત પ્રવેશની જાહેરાત : 28-29ના લો પ્રેશરની વકી અમદાવાદ, તા. 24 : હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ પ્રવેશની જાહેરાત કરી છે.  રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું. 2023માં 25 જૂને ચોમાસાનું આગમન થયું હતું. એટલે કે 6 વર્ષમાં બીજી વાર ચોમાસું બેસવામાં એક સપ્તાહનો વિલંબ થયો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રાપ્ત આંકડાઓ અનુસાર રાજ્યમાં નોંધપાત્ર કહી શકાય તેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3.35 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગના સુબીરમાં 2.13, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર બંગાળ ઉપસાગરમાં આગામી 28 અથવા 29 જૂન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે પૂર્વ ભારત તરફથી ભેજનું પ્રમાણ વધીને ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ મજબૂત બની શકે છે.તેમણે કહ્યું કે આ હવામાન પ્રણાલીની અસર ખાસ કરીને પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ જોવા મળી શકે છે. ભેજયુક્ત પવનો અને વાતાવરણમાં થતા ફેરફારોના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં અને સ્થાનિક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. 

Panchang

dd