• શુક્રવાર, 05 જૂન, 2026

ચોમાસું દેર આયે; દુરસ્તની દુઆ

નવી દિલ્હી, તા. 4 : આખરે લાંબા સમયની રાહ બાદ ચોમાસાંએ કેરળનો કાંઠો ભીંજવ્યો હતો. તેની અસરથી કેરળ ઉપરાંત તામિલનાડુ અને કર્ણાટકમાં કેટલાક વિસ્તારોમાં આવનારા સાત દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે. આ વખતે ચોમાસું ત્રણ દિવસ મોડું આવ્યું છે અને સામાન્યથી ઓછા વરસાદની આગાહી છે પણ કિસાનો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે આ આગાહી ખોટી પડે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું આખા ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બંગાળની ખાડીના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર-પૂર્વનાં રાજ્યો સુધી આગળ વધી શકે છે. સામાન્ય રીતે પહેલી જૂને જ કેરળમાં પહોંચી ગયા બાદ દોઢ મહિનામાં વરસાદી મોસમ આખા દેશને આવરી લે છે. ત્યારબાદ, 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે વાપસી કરે છે અને 15મી ઓકટોબર સુધીમાં વરસાદી મોસમ પૂરી થઈ જાય છે. છેલ્લા 13 વર્ષમાં આ વખતે સાતમીવાર એવું બન્યું છે કે, ચોમાસું મોડું પડયું છે. 1918માં ચોમાસું સૌથી વહેલું 11મી મેના કેરળ પહોંચી ગયું હતું. બીજી તરફ 1972માં સૌથી મોડું છેક 18મી જૂનના ચોમાસું કેરળ પહોંચ્યું હતું.  દેશના મોસમ વિજ્ઞાન વિભાગે ગુરુવારે ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં તોફાન, વરસાદ અને ગતિભેર પવન ફૂંકાવાની સંભાવના સાથે એલર્ટ જારી કર્યું હતું. ચોમાસાંની એન્ટ્રી સાથે જ કેરળના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ ગુરુવારે શરૂ થઈ ગયો હતો. મોસમ વિજ્ઞાન વિભાગે નવમી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. કેરળના તિરુવનંતપુરમ્, ત્રિશૂર, કોટાયમ, એર્નાકુલમ, કોલમ, પથાનામથિટ્ટા સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ભાગોમાં જળબંબાકાર સાથે જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે. બીજી તરફ, રાજધાની દિલ્હીના અનેક ભાગોમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે કયાંક વરસાદથી તાપમાં રાહત થઈ હતી.બિહારમાં 12થી 15 જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકે છે, તો ઉત્તરપ્રદેશના પૂર્વીય ભાગોમાંથી ચોમાસું 15થી 20 જૂન વચ્ચે પ્રવેશ કરવાની સંભાવના છે, તેવું દેશના મોસમ વિજ્ઞાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું. ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર-પશ્ચિમ રાજ્યો માટે ચોમાસાંની એન્ટ્રી રાહતના અહેવાલ છે. હવામાન વિભાગનાં મોડેલ અનુસાર 30 જૂન સુધીમાં ચોમાસું પૂરા દેશને કવર કરે છે, જ્યારે દિલ્હીમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 25થી 30 જૂન વચ્ચે હોય છે. ઉત્તરપ્રદેશમાં ચોમાસાંનો વરસાદ 15 જૂન આસપાસથી શરૂ થઈ શકે છે. આ અગાઉ હવામાન વિભાગે પોતાના સંશોધિત પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. ભારતમાં સરેરાશના 90 ટકા વરસાદ રહેવાની સંભાવના છે. દેશભરમાં વરસાદની સામાન્ય સરેરાશ 87 સે.મી.ની છે, જે 1971થી 2020ના આંકડા ઉપર આધારિત છે. - આગામી બે દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે :   અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના અનુસાર આ બેવડી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુસાર ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા 10 જૂન સુધીનું પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું છે.  બીજી તરફ, ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.  

Panchang

dd