કોટડા (ચ.), તા. 4 : વિશ્વભરમાં
દર વર્ષે 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં
આવે છે. આજે વિકાસ અને ઔદ્યોગિકીકરણની સાથે પર્યાવરણનું જતન કરવું પણ એટલું જ જરૂરી
બન્યું છે. કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી
પવનઊર્જા પ્રોજેક્ટોનો વ્યાપ સતત વધી રહ્યો છે. સ્વચ્છ ઊર્જાના સ્ત્રોત તરીકે પવનઊર્જાને
મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ
તેની સાથે પર્યાવરણ અને પક્ષીજીવન પર પડતી અસર અંગે સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ
રહી છે. કચ્છના અનેક વિસ્તારોમાં આજે પવનચક્કીઓ અને હાઈટેન્શન વીજલાઈનોની જાળ પથરાઈ
છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યાં પવનચક્કીઓ અને મોટી વીજલાઈનોનું પ્રમાણ વધુ છે,
ત્યાં અગાઉની સરખામણીએ પક્ષીઓનો કલરવ ઓછો સંભળાય છે. સ્થાનિક આગેવાનો અને પશુપાલકોના જણાવ્યા
મુજબ પવનચક્કીઓ તથા વીજ માળખાકીય સુવિધાઓના વિસ્તરણને કારણે કેટલાક વિસ્તારોમાં કુદરતી
ચરિયાણ અને વનસ્પતિઓ પર અસર જોવા મળી રહી છે. કચ્છના વગડાઓમાં જોવા મળતી નીલી ઝાડીઓ, ખાખરા અને અન્ય સ્થાનિક વનસ્પતિઓ પશુઓ માટે
ચારા રૂપે ઉપયોગી હોવા ઉપરાંત અનેક પક્ષીઓ અને જીવસૃષ્ટિને આશરો પણ પૂરો પાડે છે. સ્થાનિક
લોકોનું માનવું છે કે, વિકાસ જરૂરી છે અને પવન ઊર્જા પ્રોજેક્ટો
દેશની ઊર્જા જરૂરિયાત માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિકાસની સાથે
પર્યાવરણ, કુદરતી વનસ્પતિઓ અને પક્ષીજીવનનું સંરક્ષણ પણ એટલું
જ જરૂરી છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે
વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.