• શુક્રવાર, 05 જૂન, 2026

`વન રાજી ત પાં રાજી'ની પંક્તિને સાર્થક કરતા કોઠારાના અગ્રણી

નલિયા, તા. 4 : કોઠારાના દામજીભાઈ બી. ચૌહાણ આજે પર્યાવરણપ્રેમના પર્યાય બની ગયા છે. 2017માં જંગલ ખાતામાંથી નિવૃત્ત થયા પછી પણ તેમનો પ્રકૃતિપ્રેમ અકબંધ છે. 35 વર્ષની સેવા બાદ પણ તેઓ વૃક્ષારોપણ અને તેની માવજતને જીવનનું ધ્યેય માને છે. દામજીભાઈ માત્ર વૃક્ષો વાવીને અટકતા નથી, પરંતુ તેને મોટા થાય ત્યાં સુધી પાણી પાવું, પિંજરા લગાવવા અને પૂરી સુરક્ષા આપવાનું કાર્ય પણ નિયમિત કરે છે. તેમનો આ નિષ્ઠાવાન વૃક્ષપ્રેમ તેમને સાચા અર્થમાં `વૃક્ષપ્રેમી' બનાવે છે. વૃક્ષારોપણ ઉપરાંત ચકલીઘર અને પાણીનાં કૂંડાંનું વિતરણ કરીને તેને વૃક્ષો પર સ્થાપિત કરે છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સમાજમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવે છે. વર્ષ 2018માં સ્થપાયેલા `પર્યાવરણ જાગૃતિ ગ્રુપ' દ્વારા તેઓ શાળાઓ, મંદિરો અને ગામડાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. માનવ જ્યોત સંસ્થાના સહયોગથી પણ તેઓ આ સત્કાર્યોમાં જોડાયેલા છે. કચ્છમિત્ર અખબારના જન્મદિવસ નિમિત્તે પણ તેઓ દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ કરે છે. જંગલ ખાતામાં નોકરી દરમિયાન દામજીભાઈએ પ્રકૃતિને નજીકથી જોઈ, જેનાં પરિણામે તેમનું જીવન વૃક્ષો વાવવાનાં ધ્યેય પાછળ સમર્પિત છે. કવિ તેજની પંક્તિ `વન રાજી ત પાં રાજી, વન હેરાણ ત પાં હેરાણ'ને તેઓ પોતાનાં કાર્યો દ્વારા સાર્થક કરી રહ્યા છે. 

Panchang

dd