• શુક્રવાર, 05 જૂન, 2026

મોટી ચરોપડીમાં 66 કે.વી.ના વીજ કરંટે કિશોરને ભરખી લીધો

ભુજ/ગાંધીધામ, તા. 4 : અબડાસા તાલુકાના મોટી ચરોપડીમાં 66 કે.વી.ની. વીજલાઈનને અડી જતાં ગામના 16 વર્ષીય કિશોર એવા મીતરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાનું મૃત્યું થતાં કરુણાંતિકા સર્જાઈ હતી. અંજારના કળશ સર્કલ નજીક રહેતા કૃષ્ણકુમાર આત્મારામ મેઘવાર (ઉ.વ. 26) નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. બીજીબાજુ પલાંસવા - અમરાપર માર્ગ પર બાઈક સ્લીપ થતાં ભરત મેઘા વણોલ (રાજપૂત) નામના યુવાનનું મોત થયું હતું. મોટી ચરોપડીના કરુણ બનાવ અંગે વાયોર પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ ગઈકાલે 16 વર્ષીય મીતરાજસિંહ પોતાની ગાયોને શોધતાં-શોધતાં ગામની સીમમાં જ્યાં રેલવેનું કામ ચાલુ છે ત્યાં પહોંચી ઊંચા ટીંબા ઉપર ચડતાં ઉપરથી પસાર થતી 66 કે.વી.ની જીવંત વીજ લાઈનને અડી જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેને 108 મારફત નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. અંજારના કળશ સર્કલ નજીક રહેતા યુવાને ગઈકાલે સવારે પાંચ વાગ્યા પહેલાં અંતિમ પગલું ભરી લીધું હતું. અહીં રહેનાર કૃષ્ણકુમાર નામનો યુવાન પોતાના રૂમ ઉપર હતો દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. પોલીસે નોંધ કરી કેવા કારણોસર તેણે છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ પલાંસવા-અમરાપર વચ્ચે જીવલેણ  બનાવ બન્યો હતો. પલાંસવાના યુવાન ભરત વણોલ બાઈક નંબર જી.જે.- 39 -એચ-7413 લઈને જઈ રહ્યો હતો. દરમ્યાન તેનું બાઈક સ્લીપ થતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભૂપત મેઘા વણોલ (રાજપૂત)એ પોલીસ મથકે ફરિયાદ નેંધાવી હતી. 

Panchang

dd