• શુક્રવાર, 05 જૂન, 2026

કોટડા ચકાર પંથકમાં હરિયાળી પહેલ સમગ્ર કચ્છ માટે પ્રેરણાદાયી ઉદાહરણ

કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 4 : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  તાલુકાના કૈલાસનગર ખાતે હરિઓમ મિશન દ્વારા છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષ સંવર્ધનની વિવિધ પ્રવૃત્તિઓ સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની છે. વૃક્ષપ્રેમી શિક્ષક હરિલાલ ભાનુશાલીનાં માર્ગદર્શન હેઠળ કોટડા ચકાર પંથકમાં વૃક્ષારોપણ, વૃક્ષ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનાં અનેક કાર્યો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. કોટડા, સણોસરા, આથમણા, ઉગમણા, કૈલાસનગર અને સૂરજપર સહિતના વિસ્તારોમાં સરકારી જમીનો, મંદિર પરિસરો, કબ્રસ્તાનો, જાહેર માર્ગો તેમજ પડતર જમીનો પર છેલ્લા સાત વર્ષ દરમિયાન 18 હજારથી વધુ વૃક્ષનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવ્યું છે. હરિઓમ મિશન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહી વૃક્ષોની નિયમિત જાળવણી, પાણી આપવાની વ્યવસ્થા, સફાઈ, કાટિંગ તથા રક્ષણ માટે પિંજરા લગાવવાની કામગીરી પણ નિષ્ઠાપૂર્વક કરે છે.  વૃક્ષ સંરક્ષણ માટે દર વર્ષે 500થી વધુ પિંજરા તૈયાર કરવામાં આવે છે. વેકેશન દરમિયાન શાળાનાં બાળકો સેવાભાવનાથી આ કામગીરીમાં જોડાય છે, જેનાં કારણે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસી રહી છે. યુવાનો પણ આ હરિયાળા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.  પ્રધાનમંત્રીના `એક પેડ મા કે નામ' અભિયાનને પણ આ પંથકમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળો, શાળા પરિસરો, તળાવ કાંઠા, સમાજવાડીઓ અને ધાર્મિક સ્થળોએ સમૂહમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.  હરિઓમ મિશન દ્વારા પર્યાવરણ ઉપરાંત જીવદયા ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા સાત વર્ષથી `ચકલી બચાવો અભિયાન' અંતર્ગત કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 50 હજારથી વધુ ચકલીઘર, પાણીનાં કૂંડાં અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત દર મહિને 300 કિલોથી વધુ ચણ પક્ષીઓ માટે પહોંચાડવામાં આવે છે. પશુ-પંખીઓ માટે પણ વિશેષ સેવા કરવામાં આવી રહી છે. દાતાઓના સહયોગથી 25થી વધુ અવાડા બનાવી અંદાજે 25 હજારથી વધુ પશુ-પંખીઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે જ રોજ 100થી વધુ કૂતરાંને બે વખત ભોજન આપવામાં આવે છે. હરિઓમ મિશનના હરિલાલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંતુલન જાળવવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. તેમણે આ કામગીરીમાં કોટડા (આ)ના સરપંચ મનસુખભાઈ માકાણી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો, નારણબાપા, સુરાભાઈ રબારી, ભીખાભાઈ, હરિભક્તો, યુવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, દાતાઓ અને ગ્રામજનોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હરિઓમ મિશનની આ સેવાકીય અને પર્યાવરણલક્ષી કામગીરી સમાજમાં હરિયાળી પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને જવાબદારીનો સંદેશ આપી રહી છે. કોટડા ચકાર પંથકમાં ચાલી રહેલી આ હરિયાળી પહેલ સમગ્ર કચ્છ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. 

Panchang

dd