અંજાર, તા. 4 : શહેરમાં વિવિધ પ્રકારની સેવાકીય
પ્રવૃત્તિઓ કરતા ભારત વિકાસ પરિષદ દ્વારા ગ્રીન અંજાર મિશન તળે છેલ્લાં નવ વર્ષમાં
10 હજાર વૃક્ષનું વાવેતર કરાયું હતું. વાતવરણ પરિવર્તનની અસરોને નાથવા માટે વૃક્ષારોપણ
મહત્ત્વનુ છે, જેને લઈને સંસ્થા દ્વારા
વૃક્ષારોપણનો અનોખો સેવાકીય યજ્ઞ આરંભમાં આવ્યો છે. દર વર્ષે 85 ટકા સફળતાના દર સાથે એક હજાર
વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે તેમજ આ વૃક્ષોના
ઉછેર માટે માસ પ્લાનટેન્શનનાં સ્થળે ડિપલાઈનની
વ્યવસ્થા, સમયાંતરે ખાતર, પાણી,
દવા આપવામાં આવે છે. આ પ્રકલ્પ માટે લોકભાગીદારી તથા સંસ્થાના સભ્યોનો
આર્થિક સહયોગ સાંપડી રહ્યો છે. સંસ્થાનાં કાર્યોની નોંધ લઈને વર્ષ 2021માં કચ્છ વન વિભાગ દ્વારા
આયોજિત જિલ્લાકક્ષાના વન મહોત્સવમાં તત્કાલીન વનમંત્રી ભૂન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે
સંસ્થાને સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત ગત વર્ષે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ
ચૌધરી દ્વારા પણ સંસ્થાનું અભિવાદન કરાયું હતું. સંસ્થા દ્વારા સમયાંતરે આયુર્વેદિક
છોડનું વિતરણ તથા પક્ષીઓ માટે પાણીનાં કૂંડાં, ચકલીઘર વિતરણ કરવામાં આવે છે. શહેર અને આજુબાજુમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા
માટે મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પનો આરંભ કરવામાં
આવ્યો છે. આ વર્ષે પ્લાસ્ટિકના જાગૃતિપૂર્વક ઉપયોગ અંગે શાળા કક્ષાએ નિબંધ, ચિત્ર
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને
વૃક્ષારોપણનાં કાર્યમાં જોડાવવા અને સહકાર આપવા શાખાના પર્યાવરણ કન્વીનર કિશન
સોનીએ એક યાદીમાં અનુરોધ કર્યો હતો.