નવીદિલ્હી, તા.18 : ગ્વાદર બંદરના બદલામાં ચીન સાથે પાકિસ્તાન એક
ખતરનાક સોદો કરવા માગે છે. પાકિસ્તાને ચીન પાસેથી એવી પરમાણુ સબમરીનની માગણી કરી
છે જેની પાસે સેકન્ડ સ્ટ્રાઇકની ક્ષમતા પણ હોય. આના બદલામાં પાક. ગ્વાદર બંદરનો ઉપયોગ
કરવા માટે ચીનને અનુમતી આપશે. અમેરિકાના મીડિયામાં કરવામાં આવેલા આ ચોંકાવનારા
દાવામાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનાં ગુપ્ત
સૈન્ય દસ્તાવેજોની ચકાસણી પછી તે આ તથ્ય ઉજાગર કરે છે. સેકન્ડ સ્ટ્રાઇકનો મતબલ જો
કોઈ દુશ્મન દેશ પહેલો હુમલો કરીને તમામ પરમાણુ શત્ર નષ્ટ કરી નાખે તેવા સંજોગોમાં
પણ જવાબી હુમલાની તાકાત બચી હોય છે. એટલે કે એવી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન જે
દુશ્મનોના હુમલાથી બચીને સમુદ્રનાં ઊંડાણમાં છૂપાઈ રહે અને પછી જવાબી પરમાણુ હુમલો
પણ કરી શકે છે. પોતાની મોટાભાગની રક્ષા આવશ્યકતાઓને ચોરી કરીને પૂરી કરનાર પાકે આ
માગણી 2024માં
પાક. સેના અને ચીન વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટ દરમિયાન મૂકી હતી. પાકિસ્તાન
તરફથી આ વાટાઘાટની આગેવાની સૈન્ય પ્રમુખ આસીમ મુનીર જ કરતા હતા. 2024ની
શરૂઆતમાં પાકિસ્તાને બીજિંગને ખાનગી રાહે ખાતરી આપી હતી કે, તે ગ્વાદરને ચીની સેનાનાં એક સ્થાયી મથક તરીકે વિકસિત કરવાની અનુમતી આપશે.
એ વર્ષ બાદ તેણે ચીન પાસેથી પરમાણુ સક્ષમ સબમરિનની માગણી કરી હતી. આવું થાય તો
પાકિસ્તાન જેની પાસે પણ આકાશ અને જમીનથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા છે તેની સામે
જવાબી પરમાણુ ક્ષમતા હાંસલ કરી લેશે. એટલે કે તે જળ, ભૂમિ અને
હવાઈ માર્ગેથી અણુ હથિયારનો પ્રહાર કરવા સક્ષમ બની જાય. જો કે ચીને આ માગણીને
અનુચિત માની હતી અને બન્ને દેશ વચ્ચેની આ વાટાઘાટો અટકી ગઈ હતી.