• મંગળવાર, 19 મે, 2026

ભારત-નોર્વે વચ્ચે અવકાશથી આર્કટિક સુધી કરારો

નવી દિલ્હી, તા. 18 : પાંચ દેશોના પ્રવાસના ચોથા ચરણમાં નોર્વે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે નોર્વેના સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ'થી સન્માનિત કરાયા હતા. મોદી 43 વર્ષ બાદ નોર્વેની મુલાકાત કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ મુલાકાત દરમ્યાન ભારતી અને નોર્વે વચ્ચે અવકાશ, સમુદ્ર સંશોધન સહિત ક્ષેત્રોમાં સહયોગના સમજૂતી કરાર થયા હતા. નોર્વે સહિત કુલ્લ 32 વૈશ્વિક સન્માન મોદી મેળવી ચૂક્યા છે.  ભારતીય પ્રવાસી સમુદાય દ્વારા ઉમળકાભેર સ્વાગત બાદ વડાપ્રધાન મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્યેર સાથે દ્વિપક્ષીય બેઠકમાં અવકાશથી આર્કટિક સુધી સહયોગના સમજૂતી વચ્ચે કરારો કર્યા હતા. નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોનાસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં વડાપ્રધાન મોદીએ વિતેલા વર્ષે ભારત અને યુરોપેયિ ફ્રી ફેડ એસોસિએશન (ઈફટા) દેશો વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર અને સહભાગીતા કરારને આગળ વધારવાની વાત કરી હતી. મોદીએ એલાન કર્યું હતું કે, આ સમજૂતી કરાર હેઠળ યુરોપ આવનારા 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરના રોકાણ કરશે. જેનાથી 10 લાખ નોકરીઓઁ પેદા થશે. બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં વેપાર, રોકાણ, હરિતઊર્જા, ટેકનોલોજી, વૈશ્વિક પ્રશ્નો સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નોર્વે આર્કટિક ક્ષેત્રનો મહત્ત્વપૂર્ણ દેશ છે. ઇસરો અને નોર્વે અવકાશ એજન્સી વચ્ચે અવકાશ સંશોધન ક્ષેત્રે સહયોગના સમજૂતી કરાર પણ કરાયા હતા. દરમ્યાન, આવતીકાલે મંગળવારે ઓસ્લોમાં યોજાનાર ત્રીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં મોદી સામેલ થશે, જેમાં નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ પણ હાજરી આપશે. પીએમ મોદી પાંચ દેશના ખુબ જ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે છે. જેની શરૂઆત શુક્રવારે 15મી મેના યુએઈથી થઈ હતી. બાદમાં નેધરલેન્ડ થઈને પીએમ મોદી સ્વીડન પહોંચ્યા હતા. પીએમ મોદીએ પોતાના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વ્યાપાર, ટેક્નોલોજી, રક્ષા અને અન્ય પ્રમુખ ક્ષેત્રો ઉપર કેન્દ્રિત વ્યાપક વાતચીત કરી હતી. સ્વીડિશ પીએમ ક્રિસ્ટર્સને બે દિવસ માટે સ્વીડન પહોંચેલા પીએમ મોદીનું ગોથેનબર્ગ એરપોર્ટે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આ અગાઉ 2018માં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા સ્વીડનની મુલાકાત કરી હતી. બન્ને પક્ષોએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દાની સમીક્ષા કરી હતી અને પરસ્પરના વ્યાપારને વધારવા માટે નવા રસ્તા શોધ્યા હતા. બન્ને પક્ષે ગ્રીન પરિવર્તન, એઆઇ, નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ, સપ્લાય ચેન, રક્ષા, અંતરીક્ષ, જળવાયુ પરિવર્તન અને બન્ને દેશના નાગરિકો વચ્ચેના સંબંધ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ અગાઉ સ્વીડનનાં હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરતા સમયે પીએમ મોદીના વિમાનને સ્વીડિશ વાયુસેનાના જેટ વિમાનો દ્વારા સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.

Panchang

dd