• સોમવાર, 20 એપ્રિલ, 2026

ઈરાનનો મંત્રણાના બીજા રાઉન્ડ માટે ઈન્કાર

તેહરાન / તેલઅવીવ / વોશિંગ્ટન, તા. 19 : ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે જારી યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થવા તરફ છે ત્યારે નેતાઓના નિવેદનોથી સ્થિતિ હજુ થાળે પડે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. એક તરફ શાંતિ વાતચીતના બીજા તબક્કા માટે પાકિસ્તાનમાં તૈયારી ચાલી રહી છે, પણ ઈરાને વાટાઘાટના બીજા રાઉન્ડની આનાકાની કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી અમેરિકા હોર્મુઝની ખાડીની નાકાબંધી દૂર કરશે નહીં ત્યાં સુધી તે પ્રતિનિધિ મંડળને પાકિસ્તાન મોકલશે નહીં. આમ વાટાઘાટ અનિશ્ચિત બની છે અને આવતીકાલે અમેરિકી ટીમ પાકિસ્તાન પહોંચવાની છે. જો કે, આ વખતે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ જોડાશે કે કેમ એ હજી સ્પષ્ટ થયુ નથી. તે દરમ્યાન જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચિરપરિચિત અંદાજમાં ઈરાનને સંપૂર્ણ નષ્ટ કરવા ધમકી આપી હતી. તો બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પરમાણુ હથિયારો મુદ્દે કોઈ સમાધાન નહીં કરવાનું સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ઈરાનને પરમાણુ હથિયાર ન રાખવાનું કહેનારું અમેરિકા કોણ છે. આજે  એક જ નિવેદનમાં ટ્રમ્પના બે અલગ વહેવાર જોવા મળ્યા હતા. એક તરફ તેમણે ઈરાનની માળખાંકીય સુવિધાઓ સંપૂર્ણ નષ્ટ કરવાની ધમકી આપી હતી. તો બીજી તરફ પાકિસ્તાનમાં યોજાનારી બીજા તબક્કાની વાતચીત માટે `ઉચિત અને તર્કસંગત' સમજૂતીનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. સોશિયલ મીડિયા `ટ્રુથ સોશિયલ' પર પોતાની વાત મૂકતાં ટ્રમ્પે ઈરાન પર હોર્મુઝમાં જહાજો પર ગોળીબાર કરવાને યુદ્ધવિરામનો ભંગ કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધમકીઓ વચ્ચે ટ્રમ્પે કૂટનીતિનો રસ્તો ખુલ્લો રાખવાનો સંકેત પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના પ્રતિનિધિ આવતીકાલે સાંજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે. ટ્રમ્પે લખ્યું કે, ત્યાં એક સમજૂતી માટે વાતચીત થશે જેને તેમણે બહુ ઉચિત અને તર્કસંગત સમજૂતી લેખાવી હતી. દરમ્યાન પરમાણુ મુદ્દે ટ્રમ્પના આકરાં વલણ સામે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશક્યાને ફરી એક વખત સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો દેશ પરમાણુ અધિકારો અંગે કોઈ જ સમજૂતી કરશે નહીં. તેમણે ટ્રમ્પને સીધો પડકાર ફેંકતાં કહ્યું કે, અમેરિકાને એ નક્કી કરવાનો કોઈ અધિકાર જ નથી કે ઈરાને શું કરવું અને શું નહીં. તેમણે જણાવ્યું કે, ટ્રમ્પ એમ કહે છે કે, ઈરાન પોતાના પરમાણુ અધિકારોનો ઉપયોગ કરી શકે નહીં પરંતુ તેઓ એ નથી જાણતા કે આખરે શા માટે ? તેઓ કોણ છે કોઈ દેશનો અધિકાર છીનવાવાળા ? ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટનાં બીજા તબક્કા માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સોમવારે ફરીથી પાક.ની રાજધાની ઈસ્લામાબાદ પહોંચવાનું છે. જો કે આ વખતે જેડીવેન્સ જવાના નથી પરંતુ મીડિયા હેવાલના દાવા મુજબ શાંતિ મિશનના વિશેષ દૂત સ્ટીવ વિટફોક અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર વાતચીત માટે ઈસ્લામાબાદ જશે. જો કે આ વાટાઘાટ પહેલા જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપતાં ટ્રમ્પે કહ્યું છે કે, જો હવે સમજૂતી નહીં થાય તો ઈરાનનાં હત્યારા મશીનનો અંત કરી નાખવામાં આવશે. દરેક વીજમથક અને પુલ ધ્વસ્ત કરી દેવામાં આવશે.  અમેરિકા અને ઈરાન વચ્ચે આ વાટાઘાટો આવતીકાલે જ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે પણ ઈરાનનાં ઉપવિદેશમંત્રી  સઈદ ખાતિબજાદહે કહ્યું હતું કે, બીજા ચરણની બેઠક માટે કોઈ તારીખ નક્કી નથી. જો અમેરિકા કોઈપણ પ્રકારની અતિવાદી માગણી મૂકશે તો તેનો સ્વીકાર કરવો સંભવ નહીં રહે. ઈરાનની સંસદનાં અધ્યક્ષ મોહમ્દ બાઘેર ગાલિબફે કહ્યું હતું કે, ઈરાન કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ઈરાન વાટાઘાટ માટે પણ તૈયાર છે અને યુદ્ધ માટે પણ. તેમણે આગળ કહ્યું હતું, હવે ઈરાનને દુશ્મન ઉપર જરાય ભરોસો નથી. બીજીબાજુ પાકિસ્તાને આ મંત્રણા માટે આવી રહેલા મહેમાનો માટે ઈસ્લામાબાદની બે મુખ્ય હોટેલોને ખાલી કરાવી રાખી છે. બે અમેરિકી સી17 ગ્લોબમાસ્ટર વિમાનનાં ઉતરાણ બાદ એરપોર્ટથી રેડઝોન જાહેર કરવામાં આવેલા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ બેઠક માટે પાકિસ્તાન 20 હજાર જવાનોને તૈનાત કરવાનું છે. 

Panchang

dd