• રવિવાર, 23 નવેમ્બર, 2025

વિકાસનું જૂનું મોડેલ બદલવાની જરૂર છે : મોદી

નવી દિલ્હી, તા. 22 : દક્ષિણ આફ્રિકા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જી-20 શિખર સંમેલનને સંબોધનમાં મહત્ત્વનું સૂચન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, જી-20નું જૂનું વિકાસ મોડેલ હવે બદલવાની જરૂર છે. સાથે જ વડાપ્રધાને ડ્રગ્સ અને ત્રાસવાદની સાઠગાંઠનાં નેટવર્કના સામના માટે ખાસ પહેલના તથા વૈશ્વિક આરોગ્ય પ્રતિકાર ટીમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આફ્રિકાની ધરતી પર પહેલીવાર યોજિત જી-20 શિખર સંમેલન દરમ્યાન ભારતના વડાપ્રધાને દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાતો કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગની ગેરહાજરીમાં જી-20 શિખર સંમેલનનો પ્રમુખ ચહેરો બની ગયેલાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું જી-20ને વૈશ્વિક વિકાસના જૂના માપદંડો પર બીજીવાર વિચારણા કરવાની અપીલ  કરું છું. મોદી બોલ્યા હતા કે, જી-20 સમૂહે ભલે દુનિયાની અર્થવ્યવસ્થાને દિશા આપી હોય, પરંતુ આજનાં વિકાસ મોડેલે દુનિયાની મોટી વસ્તીને સંસાધનોથી વંચિત કરી નાખી છે. પ્રકૃતિનાં વધુ પડતાં દોહનને ઉત્તેજન મળ્યું છે. આફ્રિકી દેશો પર તેની ખરાબ અસર સૌથી વધારે થઈ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. જી-20નાં પ્રથમ સત્રને સંબોધન દરમ્યાન મોદીએ સમાવેશ વિકાસ, જળવાયુ સંકટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વૈશ્વિક સ્તરે મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાને  આફ્રિકા અને ગ્લોબલ સાઉથની પ્રાથમિક્તાઓને જી-20ની મુખ્ય ધારામાં લાવવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ભારત `એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'ની વિચારધારાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. ભારતના વડાપ્રધાને સૂચવ્યું હતું કે, આફ્રિકા પહેલીવાર જી-20 શિખર સંમેલનનું યજમાન બન્યું છે. એટલે જ આ યોગ્ય સમય છે કે, આપણે વિકાસના માપદંડોમાં બદલાવ કરવા માટે વિચારવાની શરૂઆત કરીએ. દરમ્યાન, મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાને મળ્યા હતા અને તેમને આલિંગન આપ્યું હતું.એ સિવાય મોદીએ ઈટાલીનાં વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી અને હાથ મિલાવ્યા હતા. શિખર બેઠકનું ઉદ્ઘાટન ભાષણ કરતાં યજમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ દરેક દેશનો આભાર માની આફ્રિકા પોતાની જવાબદારી પ્રામાણિક્તાથી નિભાવશે, તેવો કોલ આપ્યો હતો.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના ભારતીય જ્ઞાન પ્રણાલીઓનાં મોડેલના આધારે વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડાર બનાવવો જોઈએ, જેથી ટકાઉ જીવનના આ અનુભવોને સાચવી શકાય અને ભવિષ્યની પેઢીઓને આપી શકાય. આફ્રિકા કૌશલ્ય ગુણક પહેલ અંગે કહ્યું કે, આફ્રિકાનો વિકાસ સમગ્ર વિશ્વનાં હિતમાં છે. આ વિઝન સાથે તેમણે જી-20-આફ્રિકા કૌશલ્ય ગુણક પહેલની જાહેરાત કરી હતી. આ પહેલ ટ્રેન-ધ-ટ્રેનર્સ મોડેલ પર આધારિત હશે, જેને સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે અને તમામ જી-20 દેશો દ્વારા ટેકો આપવામાં આવશે. આગામી 10 વર્ષમાં દસ લાખ પ્રમાણિત તાલીમદાતાને તાલીમ આપવાનું લક્ષ્ય છે, જે પછી લાખો યુવાનોને કૌશલ્ય પ્રદાન કરી શકશે. ડ્રગ-આતંકવાદના સંબંધનો ઉલ્લેખ કરતાં નેટવર્ક પર ઊંડી ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ફેન્ટાનાઇલ જેવી કૃત્રિમ દવાઓ વિશ્વભરમાં આરોગ્ય, સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો ખતરો બની ગઈ છે, તેથી જી-20એ એક સંયુક્ત અભિયાન શરૂ કરવું જોઈએ, જેનાથી ટ્રાફાકિંગ, ગેરકાયદેસર નાણાકીય નેટવર્ક અને આતંકવાદી ભંડોળને રોકવામાં મદદ મળશે. - ટ્રમ્પનો બહિષ્કાર અવગણી જી-20 ઘોષણાપત્રને મંજૂરી : નવી દિલ્હી, તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી-20 શિખર સંમેલનના એજન્ડાને ફગાવી દીધો હતો. જી-20 દેશો ગરીબ દેશોને જળવાયુ સંકટ સામે લડવામાં મદદ કરે તેવું યજમાન દક્ષિણ આફ્રિકા ઇચ્છે છે, પરંતુ આવા  તમામ મુદ્દા પર સાથ દેવાનો અમેરિકાએ ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ ટ્રમ્પના બહિષ્કાર છતાં જી-20 દેશોએ દક્ષિણ આફ્રિકા દ્વારા નિર્મિત ઘોષણાપત્રને સર્વ સંમતિથી મંજૂર કરી નાખ્યું હતું. આફ્રિકી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે, ભલે અમેરિકા સામેલ નથી થતું, પરંતુ અંતિમ નિવેદન પર બધા દેશોનું સહમત થવું બેહદ જરૂરી હતું. જી-20 સમૂહના સંસ્થાપક સભ્ય અને આગામી વર્ષે જી-20નું અધ્યક્ષપદ સંભાળનાર અમેરિકા સામેલ નહીં થવાથી વિવાદની સ્થિતિ સર્જાઇ હતી. 

Panchang

dd