• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

દેશવાસીઓ જ મારા આરાધ્ય, તેમનાં સપનાં માટે જીવું છું : મોદી

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતનિધિ તરફથી) : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે  મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ માટે અને એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું અને તેમાં મુસાફરી કરી હતી. એ સાથે અમદાવાદ-ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનની ભેટ આપી હતી. એ પછી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાં આવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાને 8 હજાર કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, મારા દેશવાસીઓ જ મારા આરાધ્ય છે. મેં મારા આ આરાધ્ય દેવની પૂજામાં પોતાની જાતને આહુત કરવાનો નિર્ણય કર્યો છે. જીવીશ તો તમારી માટે, ઝઝુમીશ તો તમારી માટે, તમે મને આશીર્વાદ આપો. કરોડો દેશવાસીઓના આશીર્વાદથી એક નવા આત્મવિશ્વાસ સાથે, ઉમંગ સાથે 140 કરોડ ભારતવાસીઓનાં સપનાંઓ માટે જીવું છું અને જીવવા માગું છું.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક તરફ દરેક દેશવાસી સમગ્ર વિશ્વમાં ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા માગે છે. દેશના સામર્થ્યને આગળ વધારવામાં મહેનત કરે છે, ત્યારે બીજી તરફ દેશમાં જ નેગેવિટીથી ભરેલા કેટલાક લોકો ઊલટા કામ કરી રહ્યા છે. દેશની એકતા પર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે 500થી વધુ રજવાડા ભેગા કરીને ભારતનું એકીકરણ કર્યું, ત્યારે સત્તાના લાલચુ લોકો ભારતના ટૂકડા કરવા માગે છે. તમે સાંભળ્યું હશે કે આ લોકો મળીને કહી રહ્યા છે કે, જમ્મુ- કાશ્મીરમાં આર્ટિકલ 370ને પાછા લાવશે. બે સંવિધાન, બે વિધાનનો નિયમ ફરી લાવવા માગે છે. નફરતથી ભરેલા લોકો ભારતને બદનામ કરવાની તક નથી છોડતા. ગુજરાતને પણ નિશાન પર લઇ રહ્યા છે. જેનાથી ગુજરાતે સતર્ક રહેવાની અને નજર રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાત માટે ખાસ છે. અમદાવાદ-ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ ચાલવા લાગી છે. જે બે શહેર વચ્ચે દરરોજ આવતા-જતા લોકો માટે ઘણી ફાયદાકારક રહેશે. આવનારા શહેરોમાં નમો ભારત રેપિડ રેલ કનેક્ટ કરશે. વંદે ભારત ટ્રેનોના નેટવર્કને જે ગતિએ વધારવામાં આવ્યા છે તે અદ્ભુત છે. 15થી વધુ વંદે ભારત ટ્રેન દોડવા લાગી છે. આજે પણ 6 ટ્રેનોને લીલીઝંડી આપી છે. મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, આ 100 દિવસમાં 11 લાખ નવી લખપતિ દીદી બની છે. તેલિબિયાની ખેતી કરતા ખેડૂતો માટે નિર્ણય કર્યો છે, જેથી તેમને એમએસપીથી વધુ કિંમત મળે, ફાયદો થાય, વિદેશી તેલની આયાત પર શુલ્ક વધાર્યું છે. દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે બળ મળશે. બાસમતી ચોખા અને ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો છે. જેનાથી દેશના ખેડૂતોને ફાયદો થશે. રેલ, રોડ, પોર્ટ, એરપોર્ટ અને મેટ્રો સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટોને 100 દિવસમાં મંજૂરી આપવામાં આવી છે. વઘુમાં તેમણે કહ્યું કે, ગત 100 દિવસમાં કેવી કેવી વાતો થવા લાગી હતી. મારી મજાક ઉડાવવા લાગ્યા હતા. અનેક તર્ક-વિતર્ક બતાવતા રહ્યા હતા અને મજા લેતા હતા. લોકો પણ હેરાન હતા કે મોદી શું કરે છે. કેમ ચૂપ છે. આટલી મજાક થઇ રહી છે. અપમાન થઇ રહ્યું છે. મારા ગુજરાતના ભાઈઓ-બહેનો આ સરદાર પટેલની ભૂમિમાં જન્મેલો દીકરો છે. દરેક મજાક, અપમાનને સહન કરીને એક પ્રણ લઇને 100 દિવસ માટે, તમારા કલ્યાણ માટે, દેશહિત માટે નીતિ બનાવવામાં અને નિર્ણય લગાવવામાં વિતાવ્યા છે. મેં નક્કી કર્યું હતું કે, ભલે મજાક કરે, હું એક જવાબ નહીં આપું. હું મારા માર્ગથી ભટકીશ નહીં. આ તમામ અપમાનને પચાવીને 100 દિવસના નિર્ણયોમાં દેશના દરેક નાગરિક, પરિવાર, વર્ગના કલ્યાણની ગેરન્ટી પાકી થઇ ગઇ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું. તમારી બધાની વચ્ચે આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશાં મારા પર હેત વર્ષાવ્યું છે. દીકરો જ્યારે પોતાના ઘરે આવે અને આશીર્વાદ લે ત્યારે તેને નવી ઊર્જા મળે છે. તેનો ઉત્સાહ, જોશ ઘણો વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા એ મારું મોટું સૌભાગ્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang