વારાણસી, તા. 6 : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આજે વહેલી
સવારે ત્રણ વાગ્યે બે મકાન અચાનક ધરાશાયી થયાં હતાં. આ ઘટનામામાં ફરજ પરની મહિલા પોલીસકર્મી
સહિત નવ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
43 વર્ષીય મહિલાનું મોત થયું હતું. અકસ્માત સમયે લોકો સૂતા હતા. પી.એમ. મોદીએ પણ ઘટના
અંગે કમિશનર સાથે વાત કરી હતી. માહિતી મળતાંની સાથે જ અનેક પોલીસ સ્ટેશનના પોલીસ દળ
આવી પહોંચ્યા હતા. એનડીઆરએફને પણ બોલાવવામાં આવી હતી. છ કલાક સુધી બચાવ કામગીરી ચાલી
હતી, જ્યાં અકસ્માત થયો હતો તે શેરીની પહોળાઈ માત્ર આઠ ફૂટ છે. આવી સ્થિતિમાં સમગ્ર
બચાવકાર્ય જાતે જ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફએ હાથ વડે કાટમાળ હટાવ્યો હતો, જેના
કારણે બચાવમાં સમય લાગ્યો હતો. બંને ઘર મંદિરના કોરિડોરથી માત્ર 10 મીટરના અંતરે છે.
પીએમ મોદીએ કમિશનર કૌશલ રાજ શર્મા સાથે ફોન પર વાત કરી હતી અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી લીધી. કમિશનરે તેમને
કહ્યું હતું કે, મૃતક મહિલા અને ઘાયલોને વળતર આપવામાં આવશે. ઘાયલોને સારી સારવાર આપવામાં
આવી રહી છે.