• મંગળવાર, 23 જુલાઈ, 2024

પુનિત-મોદીની મુલાકાતથી ઝેલેન્સ્કી ખફા

નવીદિલ્હી, તા.9 : યુક્રેનમાં ચાલતાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાનાં બે દિવસીય પ્રવાસ ઉપર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ખૂંચી છે અને તેમણે આની સામે આકરી નારાજગી પણ દેખાડી દીધી છે. તેમણે મોદીની પુતિન સાથેની આ મુલાકાતને યુક્રેનમાં શાંતિ માટેના પ્રયાસો ઉપર મોટો ફટકો ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા `એક્સ' ઉપર લખ્યું હતું કે, `દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના મોટા ખૂની નેતાને ભેટે તે નિરાશાજનક છે. આ રશિયાનાં આક્રમણ વિરુદ્ધ શાંતિનાં પ્રયાસો માટે પણ વિનાશક ઝટકા સમાન છે.' યુક્રેનનો દાવો છે કે મોદી રશિયાના પ્રવાસે રવાના થયા હતા ત્યારે જ રશિયાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો જેમાં 41 લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ 600થી વધુ દર્દીને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હુમલાના થોડા સમય બાદ હોસ્પિટલની ઇમારત ધરાશાયી થઈ હતી.રશિયાએ શુક્રવાર અને શનિવારે 24 કલાકમાં યુક્રેન પર 55 હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર એજન્સી આરઆઇએ અનુસાર, રશિયન સેનાએ શુક્રવારે 6 રોકેટ અને 70 થી વધુ ગ્લાઇડ બોમ્બથી યુક્રેનના અલગ-અલગ સ્થળો પર હુમલો કર્યો હતો. જ્યારથી પીએમ મોદી રશિયા પહોંચ્યા છે ત્યારથી અમેરિકાની નજર તેમના પર છે. અમેરિકા દ્વારા અપ્રત્યક્ષ રૂપે મોદીની આ મુલાકાત સામે વાંધો પણ વ્યક્ત કરી દેવામાં આવ્યો હતો ત્યારે ચીને પણ પીએમ મોદીના રશિયા પ્રવાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારમાં પીએમ મોદીનો રશિયા પ્રવાસ અને તેનાથી વધતી પશ્ચિમી દેશોની ચિંતા પર નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કે, નરેન્દ્ર મોદીની રશિયા સાથે સારી મિત્રતાથી અમને નહીં પરંતુ પશ્ચિમી દેશોને સમસ્યા થઈ રહી છે. પુતિન અને પીએમ મોદીની મુલાકાત અંગે ચીને કહ્યું કે, કેટલાક પશ્ચિમી મીડિયા આ યાત્રા પર ચાંપતી અને આશંકા સાથે નજર રાખી રહ્યા છે. ચીને કહ્યું કે, રશિયાના ચીન સાથે વધી રહેલા સંબંધ સંભવિત રીતે ભારત અને રશિયાના સંબંધોને પ્રભાવિત કરી શકે છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang