• શનિવાર, 27 જુલાઈ, 2024

સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મનો વિવાદ

સુરત, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગઇકાલે રાજ્યની લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરાયા બાદ આજથી ચકાસણી શરૂ થઈ છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી સામે ભાજપે વાંધો ઊઠાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ટેકેદારોની સહી મામલે ઊભા થયેલા વિવાદે કોંગ્રેસમાં હડકંપ મચાવ્યો છે. કોંગી ઉમેદવારે કલેક્ટર પાસે સમય માગતાં આવતીકાલે સવારે કોંગી ઉમેદવારના ફોર્મ અંગે ફેંસલો આવશે. કુંભાણીનું ફોર્મ રદ થવાને લઈને વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે. તેમના ટેકેદારો `ગુમ' થઈ જતાં અનેક અટકળો ફેલાઈ છે. સમગ્ર મામલાની હકીકત જાણવાનો પ્રયાસ કરતાં માલૂમ પડયું કે, સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં સહી કરેલા ટેકેદારોએ એફડેવીટ કરીને અમારી સહી નથી તેવું કહેતાં મામલો ગરમાયો હતો. જેને લઈને આજે સાંજે કોંગ્રેસના ઉમેદવારને કલેક્ટર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ રિટર્નિંગ ઓફિસરને એક પત્ર લખી કોંગ્રેસ ઉમેદવાર  નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી. બીજી તરફ એક વાત એવી પણ બહાર આવી છે કે, નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોએ જે સહીઓ કરી છે, તે નકલી સહીઓ છે. આ બાબતે રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી પાસે સ્પષ્ટતા માગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુંભાણીના ત્રણ ટેકેદારમાં રમેશભાઈ પોલરા, જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયાનો સમાવેશ થાય છે. ફોર્મ ચકાસનારા અધિકારીને ફરિયાદ થયા બાદ રમેશભાઈ, જગદીશભાઈ અને ધ્રુવીનની સહી સામે વાંધો ઊઠાવાયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની ફરિયાદ કરી હતી. બન્ને પક્ષની દલીલ બાદ આવતીકાલે સવારે 11 કલાકે નિર્ણય આવશે. આ તરફ કોંગ્રેસના નેતાઓ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરતાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ તેમને કરી દેવાઈ છે. જો કે, તેમનું ફોર્મ આજે રદ્દ નહીં થાય તેવું પણ કહ્યું હતું. ટેકેદારો સામેના આક્ષેપને લઈને કોંગી ઉમેદવારે ત્રણ અરજી કરી છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપે ત્રણેય ટેકેદારનું અપહરણ કર્યાની ફરિયાદ કરી છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, અમે અમારો પક્ષ રજૂ કર્યો છે. ફરીથી આવતીકાલ સવારે 11 કલાક સુધીનો સમય અપાયો છે. ચૂંટણી અધિકારીને અપહરણની ફરિયાદ કર્યા બાદ પણ હજુ કોઈ પગલાં લેવાયાં નથી. કોંગ્રેસ પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું કે, આ લોકશાહીની હત્યા છે. હે રામ કહીને શાસકપક્ષ લોકશાહીની હત્યા કરી રહ્યું છે. અમને ફોર્મ રદ્દ થયાનું લેખિતમાં મળ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang