ગાંધીધામ, તા. 8 : આડેસરથી માખેલ વચ્ચે રાધનપુર
- સામખિયાળી ધોરીમાર્ગ એકલધારાની સામે માર્ગની બાજુમાંથી એક અજાણી મહિલાની શંકાસ્પદ
હાલતમાં લાશ મળી આવી હતી. આ મહિલાનું મોત કેવી રીતે થયું તે જાણવા લાશનું ફોરેન્સિક
પી.એમ. કરાવવા લઈ જવાઈ હતી. આડેસર-માખેલ વચ્ચે ગત મોડી રાતે આ બનાવ પ્રકાશમાં આવ્યો
હતો. અહીંથી પસાર થતા કોઈ મુસાફરોનું ધ્યાન જતાં તેમણે 108ને જાણ કરી હતી. આ જગ્યાએ માર્ગની બાજુમાં અજાણી મહિલાની લાશ
મળી આવી હતી. ગળામાં દુપટ્ટો બાંધેલો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હોવાનું આડેસર પોલીસે
જણાવ્યું હતું. આ અજાણી મહિલા હિન્દીભાષી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
તેના એક હાથમાં હિન્દી ભાષામાં લક્ષ્મણ એન્ડ પૂજા તથા બીજા હાથમાં અંગ્રેજીમાં પી.પી.
ત્રોફાવેલ છે. ઘઉંવર્ણની આ મહિલાની ઊંચાઈ આશરે
પાંચેક ફૂટ તથા તેણે પંજાબી ડ્રેસ પહેર્યો છે, જેમાં લાલ તથા ગ્રે રંગની ડિઝાઈનવાળું ટોપ અને લાલ રંગની લેગિંસ પહેરેલ છે.
આ લાશ ઉપર દેખીતી રીતે ઈજાના કોઈ નિશાન નથી પરંતુ તેનું મોત કેવા કારણોસર થયું હશે
તે માટે ફોરેન્સિક પી.એમ. અર્થે જામનગર મોકલાઈ હોવાનું જે.બી. આચાર્યએ જણાવ્યું હતું
તથા તેના વાલી વારસે આડેસર પોલીસનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું હતું તેમજ તેના
શરીરે દર, દાગીના પહેરેલા હોવાથી લૂંટ કે ચોરીનો ઈરાદો ન હોવાનું પણ સપાટી ઉપર આવ્યું
હતું.