ગાંધીધામ, તા. 8 : ભચાઉના સામખિયાળીમાં બાદશાહ
હોટેલમાંથી બોલું છું. બે-અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, રોકડા લઇને માણસ મોકલું છું તેમ કહી ઠગબાજએ
વેપારી સાથે રૂા. 1,75,000ની
છેતરપિંડી આચરી હતી. આવો જ કિસ્સો આદિપુરમાં રાજ પાંઉભાજીના નામે બહાર આવ્યો હતો. સામખિયાળીમાં
પ્રજાપતિ સમાજવાડી નજીક કુંભારવાસમાં રહેનાર હસમુખ રામજી પ્રજાપતિએ આ બનાવ અંગે પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાન સામખિયાળીમાં નવા બસસ્ટેન્ડ રોડ પર ઓમ મોબાઇલ
શોપ નામની દુકાનમાં મની ટ્રાન્સફરનું કામ પણ કરે છે. ગત તા. 6/9ના બપોરે આ યુવાન પોતાની દુકાને
હતો ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે બાદશાહ હોટેલ સામખિયાળીથી દિલીપભાઇ
બોલતો હોવાનું અને ઓળખાણ પડી તેવું પૂછ્યું હતું. જેની ફરિયાદીએ ના પાડી હતી. આ ઠગબાજએ
પોતાને બેથી અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ હા પાડી
હતી. દરમ્યાન આ ઠગબાજએ હોટેલથી મારો માણસ રોકડા લઇને મોકલું છું તે રૂપિયા આપી જશે
તેવી વાત કરી હતી. થોડીવાર બાદ બાદશાહ હોટેલથી ઇકબાલભાઇ તે દુકાને ઊભા રહ્યા હતા. તેણે
ફરિયાદીને ફોન આપતાં સામા છેડે દિલીપભાઇ બોલું છું. મારો માણસ રૂપિયા લઇને આવ્યો છે.
હું કહું તે બેન્કમાં રૂા. 75,000 તથા
રૂા. 1 લાખ ટ્રાન્સફર કરી આપો તેવું કહી વિશ્વાસમાં
લીધો હતો. બાદમાં ફરિયાદીએ મુખ્ય એડમિન દ્વારા આ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. મુખ્ય
એડમિન નરેન્દ્રભાઇ ડોડિયાએ આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવી છે. આજકાલ છેતરપિંડી બહુ
થાય છે ચેતજો તેવું કહેતાં ફરિયાદીએ ઇકબાલને મની ટ્રાન્સફરના રૂપિયા માગ્યા હતા, ત્યારે તેણે આ ફોન કરનાર ભાઇએ પોતાને 25 કિલો બિરિયાનીનો ઓર્ડર આપ્યો
હતો અને તેના પૈસા તમારાથી લેવાનું કહ્યું હતું તેમ જણાવતાં ફરિયાદીના પગ નીચેથી જમીન
સરકી ગઇ હતી. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેણે તરત 1930માં ફરિયાદ કરી હતી. આ ઠગબાજએ
હોટેલવાળા અને ફરિયાદી બંનેને છેતરી લીધા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.