ગાંધીધામ, તા. 7 : અંજાર તાલુકાના ખંભરા ગામમાં
ગાળો આપવાની ના પાડતાં એક શખ્સે છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં યુવાનને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી
હતી. ખંભરામાં તળાવ શેરી ચામુંડા માતાના મંદિરની બાજુમાં રહેનાર ફરિયાદી કિશન રમેશ
લુહાર ગત તા. 5/8ના રાત્રે
સાડા આઠના અરસામાં ઘરે આવતાં ત્યાં ગામનો અનિરુદ્ધસિંહ નરેન્દ્રસિંહ પઢિયાર ગાળાગાળી
કરતો હતો, જેને ના પાડતાં આ શખ્સે ફરિયાદીને ગાળો આપી
હતી. ફરિયાદીએ તેને બે લાફા ઝીંકી દેતાં ઉશ્કેરાયેલા આરોપીએ છરી કાઢી આ યુવાનના પેટમાં
ખોંસી દીધી હતી, જેમાં તેને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘવાયેલા યુવાનને પ્રથમ અંજાર બાદમાં વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઇ
જવાયો હતો. બપોરે આ આરોપીએ ફરિયાદીના ભાઇ જિગર પાસે આવી રૂપિયાની માગણી કરી હતી,
જેની જિગરે ના પાડતાં તેની સાથે પણ આરોપીએ ઝઘડો કર્યો હતો. બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.