ભુજ, તા. 7 : ચકચારી મુંદરા કસ્ટોડિયલ ડેથ
કેસમાં સાત દિવસના વચ્ચગાળાના જામીન પર છૂટેલો આરોપી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહીલ
જામીનનો સમયગાળો પૂર્ણ થયા બાદ પરત ન ફરતાં તેની સામે ભુજની સેશન્સ કોર્ટ દ્વારા ધરપકડ
વોરંટ જારી કરાયા બાદ જેલ સમક્ષ હાજર થયો હતો. મુંદરા પોલીસ મથકમાં બે વ્યક્તિની હત્યાના
છેલ્લા છ વર્ષથી ચાલતા કેસના આરોપી શક્તિસિંહ ગોહીલને ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના
વચ્ચગાળાના જામીન આપ્યા હતા. આ હુકમ બાદ ગાંધીધામની ગળપાદર જિલ્લા જેલ દ્વારા શક્તિસિંહને
મુક્ત કરાયો હતો, જે બાદ જામીન
પૂર્ણ થવા છતાં તે હાજર ન થતાં આ કેસમાં ખાસ નિમાયેલા સ્પે. પી.પી. અનિલભાઈ આર. દેસાઈ
(રાજકોટ) દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. દલીલ સાંભળ્યા બાદ અદાલતે આરોપી શક્તિસિંહ
ગોહીલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જે પછી પોલીસે કાર્યવાહી આદરી હતી અને આરોપી
જેલ સમક્ષ હાજર થયો હતો. નોંધનીય છે કે, આ આરોપી ગુનો આચર્યા
બાદ પણ 65 દિવસ નાસી ગયો હતો અને ભુજની
પાલારા જેલમાં પણ નિયમભંગ તથા ગેરવર્તન કરતો હોઈ તેને ગાંધીધામની ગળપાદર જિલ્લા જેલમાં
ફેરબદલ કરાયો હતો.