ભુજ, તા. 7 : જિલ્લામાં `સખી મંડળ કેશ ક્રેડિટ ઝુંબેશ' અંતર્ગત રૂા. 14.05 કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર
કરાઇ હતી. ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત મહિલા સશક્તીકરણ અને ગ્રામ્ય
મહિલાઓની આજીવિકામાં વધારો થાય તેમજ સખી મંડળોને સરળતાથી નાણાકીય સવલતો ઉપલબ્ધ બને
તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા જુલાઇ-2026 માસને `સખી મંડળ કેશ ક્રેડિટ ઝુંબેશ' તરીકે લક્ષિત કરાયો હતો. આ આયોજનના ભાગરૂપે
તાલુકા તેમજ ફિલ્ડ સ્ટાફ સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજી સખી મંડળોની લોન અરજીઓ તૈયાર
કરાઇ હતી. જિલ્લાના ઉચ્ચ બેન્ક અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં દરેક બેન્ક તથા બ્રાન્ચને
સખી મંડળોના ધિરાણ માટે બ્રાન્ચવાર લક્ષ્યાંકો ફાળવાયા હતા. કામગીરીની પ્રગતિ અંગે
નિયામક દ્વારા સમીક્ષા કરાઇ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ કેશ ક્રેડિટ લોન કેમ્પોના
સફળ આયોજનના પરિણામે સમગ્ર જિલ્લામાં કુલ 535 સખી મંડળને રૂા. 14.05 કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર કરાઇ હતી. આ નાણાકીય સહાયથી હસ્તકલા, પશુપાલન, ખેતી,
ખાદ્ય પ્રોસેસિંગ તેમજ અન્ય વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા
સખી મંડળોને વ્યવસાયના વિસ્તરણ, ઉત્પાદન ક્ષમતામાં વધારો તથા
આવકમાં વૃદ્ધિ માટે પ્રોત્સાહન મળશે તેવું જણાવાયું હતું. શ્રી ગૌતમે આશા વ્યક્ત કરી
હતી કે, આ અભિયાનથી કચ્છ જિલ્લાના ગ્રામ્ય મહિલા ઉદ્યોગ સાહસિકોને
આત્મનિર્ભર બનવામાં નવી દિશા મળશે અને તેમના વ્યવસાયનો વિકાસ થશે.