રાજકોટ, તા. 7 : સૌરાષ્ટ્રના સૌથી સફળ ડાબોડી
સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં હવેથી છત્તીસગઢ ટીમ તરફથી રમવાનો
નિર્ણય લઇને ચોંકાવી દીધા છે. ધર્મેન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રની ટીમ છોડી દીધી છે. આ
માટે તેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી એનઓસી પણ મળી ગયું છે. ધર્મેન્દ્રસિંહ
13 વર્ષથી સૌરાષ્ટ્રની ત્રણેય
ફોર્મેટ ટીમનો અભિન્ન અંગ હતો. સૌરાષ્ટ્ર ટીમ 2019-20 અને 2022-23 સીઝનમાં
રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી. જેમાં તેનો મહત્વનો ફાળો રહ્યો હતો. 36 વર્ષીય લેફટ આર્મ સ્પિન બોલર
જાડેજાના જવાથી સૌરાષ્ટ્ર ટીમને મોટી ખોટ પડશે.ધર્મેન્દ્ર પાસે પ્રથમ કક્ષાના 100 મેચ રમવાનો અનુભવ છે. આ ઉપરાંત
90 લિસ્ટ એ મેચ અને 73 ટી-20 મેચ પણ રમ્યો છે. જેમાં તેના
નામે 423 વિકેટ છે. છત્તીસગઢ ટીમનો સાથ
ઓલરાઉન્ડર શશાંક સિંહે છોડયો છે. આથી આ ટીમને એક સારા ઘરેલુ ક્રિકેટરની શોધ હતી. જે
સૌરાષ્ટ્રના અનુભવી સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાને પસંદ કરી પૂરી કરી છે.