• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

9થી 17 ઓગસ્ટ દરમિયાન `હર ઘર તિરંગા અભિયાન'

ભુજ, તા. 7 : ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9થી 17 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં `હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત કચ્છમાં પણ `હર ઘર તિરંગા' કાર્યક્રમ અને ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અર્થે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારની સૂચના અન્વયે તિરંગા યાત્રા, તિરંગા બાઇક, સાઇકલ કે ઇ-બાઇક રેલીનાં આયોજન તથા સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી બાબતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. તિરંગા યાત્રા સાથે જ શાળા-કોલેજમાં ક્વિઝ, વક્તૃત્વ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા તથા આ આયોજનમાં  નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા, જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરકારી સંસ્થાઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન- વંદે માતરમ્ના 150 વર્ષની થીમ હેઠળ રાષ્ટ્રધ્વજનાં સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ તા. 9 ઓગષ્ટથી 17 ઓગષ્ટ દરમિયાન ગામડાંઓ અને શહેરોની શાળા તથા કોલેજોમાં ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરવા, તિરંગા વિતરણ કામગીરી, રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબત સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત ખાસ કરીને સરહદનાં 106 ગામમાં એકતા અને દેશપ્રેમના માહોલ વચ્ચે નાગરિકો અને જવાનોની સહભાગિતા સાથે તિરંગા યાત્રા યોજવા તથા સરકારી તથા જિલ્લાની ઓળખ ધરાવતાં સ્થળોને ત્રિરંગી લાઇટિંગથી સજાવટ કરવા સૂચના આપી હતી. આ વર્ષે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા 14 ઓગષ્ટના ગાંધીધામ ખાતે યોજાશે. તિરંગા યાત્રા બાદ વિભાજનની કરુણ હકીકતો, બલિદાનની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ અને શાંતિ માર્ચ યોજાશે. ઉપરાંત તિરંગા અને વંદેમાતરમ્ પ્રદર્શનનું આયોજન કરાશે. આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સિક્યોરિટી ફોર્સના જવાનો જોડાશે. તમામ પ્રવૃત્તિઓને `વંદે માતરમ્ના 150 વર્ષની ઉજવણી સાથે સાંકળવામાં આવશે, જેથી સ્વાતંત્ર્ય ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વધુ વ્યાપક રીતે જનમાનસ સુધી પહોંચે. આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી. ડી. દેવેરા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, તમામ પ્રાંત અધિકારી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ તથા ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, મીત ઠક્કર, બાલકૃષ્ણ મોતા ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd