• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ગાંધીધામ : વેપારીનું અપહરણ કરી 5.55 કરોડ પડાવ્યા'તા

ગાંધીધામ, તા. 28 : શહેર સંકુલમાં ભારે ચકચાર જગાવનારા ટ્રાન્સપોર્ટરના અપહરણ અને ખંડણીનાં પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં બનાવનો પર્દાફાશ કરી  ટોળકીના સાત શખ્સને ઝડપી લીધા છે. શરૂઆતમાં આ ખંડણી 20 લાખની જાહેર થઈ હતી, પરંતુ બાદમાં ઘનિષ્ઠ તપાસ કરાતાં આ ખંડણી રૂા. 5,55,27,500ની હોવાનું બહાર આવતાં પોલીસે 10 ટીમ બનાવી દોડધામ આદરીને આ શખ્સોને ઝડપી પાડયા હતા.  બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી સાતેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. શહેરમાં આસોપાલવ આર્કેડમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા દિલીપ મજેઠિયા (ઠક્કર) નામના વેપારીને જાવેદ તથા અન્ય બે શખ્સે અપહરણ કરી તેને શક્તિનગરના જાવેદના મકાનમાં લઈ જવાયો હતો, જ્યાં આ વેપારીને દોરડાથી બાંધી માર મારવામાં આવ્યો હતો અને છરી ગળા પર મૂકી રૂા. 20 લાખની ખંડણી માગવામાં આવી હતી અને ફરિયાદીએ આંગડિયા પેઢી મારફતે રૂા. 20 લાખ આપી દીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી. ગત તા. 21/7ના બનેલા આ બનાવ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઊંડાણપૂર્વક સઘન તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં ફરિયાદીને બંધક બનાવી જાવેદે વેપારીના ભાઈ નરેશ ઉર્ફે લાલો મજેઠિયા જે દુબઈમાં છે તેને વીડિયો કોલ કર્યો હતો અને તારા ભાઈને જાનથી મારી નાખશું, જો તેનો જીવ બચાવવો હોય તો મોટી રકમ આપવી પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં જાવેદે સ્કેનર મોકલાવતાં નરેશે 5,84,500 યુ.એસ. ડોલર એટલે ભારતીય રૂા. 5,55,27,500 આ સ્કેનર વાળાં ખાતાંમાં મોકલી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ આ ખંડણી લાખોની જગ્યાએ કરોડોની થઈ હોવાનું બહાર આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી અને પોલીસવડા સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, નેત્રમ્ની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. આ દોડધામના અંતે પોલીસે હર્ષ કિશોર તુલસીદાસ સહાદપુરી, રાજ દીપક ધનવાણી, ઈબ્રાહીમ જુસબ બુચડ, હુસેન જુસબ બુચડ, શબીર અભુ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી તથા સચિન વિકાસ આનંદાનીને ઝડપી લીધા હતા. પત્રકાર પરિષદમાં વિગતો આપતાં પોલીસ અધીક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, જુદી-જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી બાદમાં આ શખ્સોને જુદી-જુદી જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આખા પૂર્વ આયોજિત કાવતરાંમાં મુખ્ય આરોપી હર્ષ સહાદપુરી છે, તે ફરિયાદીને વર્ષોથી જાણે છે અને બંને વચ્ચે પૈસાની લેતીદેતીના વ્યવહાર થયા હતા. દરમ્યાન રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. જાવેદ અને તેના સાગરીતોને વાત કર્યા બાદ રાજ ધનવાણીનો સાથ લેવાયો હતો. દુબઈથી યુએસ ડોલરમાં આવેલી રકમ રાજનાં ખાતાંમાં જમા કરાવાઈ હતી. તેણે ડોલરમાંથી રૂપિયા ભારતીય ચલણમાં કન્વર્ટ કર્યા હતા અને 60 લાખ ઉપરાંતની રકમ કોઈ ગેમમાં હારી પણ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દુબઈથી પૈસા ભારતમાં કેવી રીતે લાવવા તે પણ આ રાજ ધનવાણીએ શીખવ્યું હતું. આ પૈકીના અમુક શખ્સોનાં ખાતાંમાં પૈસા મોકલાયા હતા અને તે શખ્સો જાવેદ, ઈબ્રાહીમનાં ઘરે આપી આવતા હતા. પકડાયેલા આ સાત શખ્સ પાસેથી હાલમાં 9,50,000 પરત મેળવી લેવાયા હોવાનું પોલીસવડાએ ઉમેર્યું હતું તેમજ હાથમાં ન આવેલા જાવેદ અભુ સાયચા, રિઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડને પકડી પાડવા વધુ કવાયત હાથ ધરવામાં આવી છે. પકડાયેલા સાતેય અરોપીને રિમાન્ડની માંગ સાથે સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. - વેપારી પાસેથી ખંડણી કરનારા રીઢા ગુનેગાર : ગાંધીધામ, તા. 28 : શહેરના વેપારીના અપહરણ, ખંડણી પ્રકરણમાં પકડાયેલા શખ્સો પાસે બનાવનું રિકન્સટ્રક્શન કરાવાયું હતું. પકડાયેલા શખ્સો પૈકીના સામે અગાઉ ગંભીર ગુના નોંધાયેલા છે.  શહેરમાંથી દિલીપ મજેઠિયાના અપહરણ, ખંડણીનાં પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીના રાજ ધનવાણી સામે અગાઉ સાયબર ક્રાઈમ, મ્યુલ ખાતાં, જુગારધારાના ગુના નોંધાયેલા છે. હુસેન જુસબ બુચડ સામે પાઈપલાઈનમાંથી તેલચોરી, લક્ષ્મણ હેમનાણી સામે દારૂ સંબંધિત ગુના, જાવેદ સાયચા વિરુદ્ધ પેટ્રોલિયમ પદાર્થના ત્રણ, મારામારી સહિત ચાર ગુના નોંધાયેલા છે તથા હાથમાં ન આવેલા સોહિલ બુચડ  સામે હત્યાની કોશિશ, પાઈપમાંથી તેલચોરી સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. 5.55 કરોડની ખંડણીનાં પ્રકરણમાં પકડાયેલા આ રીઢા શખ્સોને બનાવની જગ્યાએ લઈ જઈને પોલીસે બનાવનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. 

Panchang

dd