ગાંધીધામ, તા. 24 : અંજારના સતાપર નજીક મોટાપાયે
ચાલી રહેલી ડુપ્લીકેટ અંગ્રેજી દારૂ બનાવવાની ફેક્ટરીનો એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો
છે. કાર્યવાહી દરમ્યાન બનાવ સ્થળેથી દારૂ બનાવવાનું કેમિકલ, મશીનરી, ખાલી-ભરેલી બોટલો,
સ્ટીકરો સહિત રૂા. 8,79,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં બે શખ્સોની
અટકાયત કરાઇ હતી, જ્યારે અન્ય
બેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. સતાપર ગામનો સુનીલ સામજી માતા (આહીર) નામનો શખ્સ પોતાના સાગરિતો સાથે મળીને
ગોવર્ધન પર્વત નજીક સતાપર બાજુ જતા રોડને અડીને આવેલા વાડાની ઓરડીમાં કેમિકલયુક્ત અંગ્રેજી
દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતો હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી
કરી હતી. પોલીસે અહીં છાપો મારતાં ફેક્ટરી ધમધમતી મળી આવી હતી. અહીંથી 200 લિટરના બેરલ નંગ-3 જેમાં સફેદ રંગનું પારદર્શક કેમિકલ 600 લિટર, દારૂ જેવું કથ્થાઇ રંગનું 200 લિટર પ્રવાહી ભરેલા બે બેરલ, આછા કથ્થાઇ રંગનું 30 લિટર જેટલું પ્રવાહી, સફેદ રંગની ટાંકીમાં જાંબલી રંગનો 300 લિટર ડુપ્લીકેટ દારૂ, બે લિટર જેટલું જાંબલી રંગનું પ્રવાહી જે દારૂ
બનાવવાના ફલેવર તથા રંગ માટેનું એસન્સ, મેઝિક મોમેન્ટસ ફલેવર
ઓફ ઇન્ડિયા જામુન સ્પેશિયલ મિન્ટ રેડિયન્ટ ફલેવર્ડ વોડકા લખેલ 180 એમ.એલ.ના બનાવટી દારૂ ભરેલ
પ્લાસ્ટિકના 1056 કવાર્ટરિયા, જાંબલી રંગના 180 મિ.લિ.ની ક્ષમતાની પ્લાસ્ટિકની
6300 ખાલી બોટલ, દારૂની બોટલો સીલ કરવા માટે ઢાંકણા ભરેલા બે
થેલા, બોટલમાં દારૂ ભરવા માટેનું વિજાણું ફિલિંગ મશીન,
દારૂની બોટલો ઉપર ઢાંકણા લગાડી સીલ કરવા માટેના બે મશીન, બોટલો ભરવા માટે ખાખી રંગના પૂંઠા નંગ-300, બોટલ ઉપર લગાવવા માટેના સ્ટીકર
પેજ નંગ-137, બોટલના ઢાંકણા ઉપર લગાવવા માટેના
હોલોગ્રામ સ્ટીકર નંગ-1 રોલ, વિજાણુ મોટર, બોટલો ગોઠવવા
માટે પ્લાસ્ટિકની ટ્રે નંગ-પાંચ, બોક્સ ઉપર પેક કરવા માટેના ટેપરિંગ
નંગ-13, 200 લિટરના ખાલી બેરલ નંગ-પાંચ, 500 લિટરની ખાલી
ટાંકી, બે મોબાઇલ તથા રોકડ રૂા. 5960 એમ કુલ રૂા. 8,79,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો. આ જગ્યાએ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ચલાવતા સતાપરના સુનીલ સામજી માતા
(આહીર) તથા રમજાન હમીર કાસમ જુણેજા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડમાં
સંડોવાયેલા અન્ય બે શખ્સ અંતરજાળનો કિશોર નાગજી વ્યાસ તથા આદિપુર કેશરનગરનો રાજેશ ઉર્ફે
રાજુ રઘુ પ્રજાપતિ નામના શખ્સો હાથમાં આવ્યા નહોતા. આ કાર્યવાહીમાં અલ.સી.બી. પી.આઇ.
જે. એમ. વાડા, પી.એસ.આઇ. ડી.જી. પટેલ
તથા સ્ટાફ જોડાયો હતો.