મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 24 : આ ઔદ્યોગિક નગરીમાં કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સામે એક મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. આ
સંકુલમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં સાંજે ભીડથી ઊભરાતી ફાસ્ટ ફૂડની અમુક લારીઓ, ચાની કિટલીઓ માત્ર ભૂખ સંતોષવાનું કેન્દ્ર નથી
રહી, પરંતુ યુવાધનને જીવતા જીવ બરબાદ કરવાનું (સ્લો પોઇઝન સેન્ટર)
(ધીમું ઝેર કેન્દ્ર) બની ચૂકી છે. સ્વાદ અને ગ્રાહકો વધારવાની લાલચમાં ખાદ્ય પદાર્થોમાં
ખુલ્લેઆમ નશાકારક પાઉડર ભેળવવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં
સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ સંકુલમાં થોડા સમય પહેલાં અમુક ચાની કિટલીઓ
પર નશાવાળી ચા પીરસાતી હોવાની ચર્ચા હજુ શાંત નથી થઇ, ત્યાં હવે
રસ્તાની આસપાસ ઊભી રહેતી ફાસ્ટ ફૂડની અમુક લારીઓ પર યુવાધનને બરબાદ કરવાનું નેટવર્ક
સક્રિય થયું હોવાનું બહાર આવ્યું છે. - મસાલાનાં નામે નશો...
: માર્ગોની આસપાસ ઊભી રહેતી અમુક નૂડલ્સ કે
ઇંડાં ભૂરજીની લારીઓ પર પીરસાતી વાનગીઓમાં સામાન્ય મસાલાને બદલે ખાસ પ્રકારનો નશાકારક
પાઉડર છાંટવામાં આવતો હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો. આ નાસ્તો એક-બે વાર કર્યા પછી
યુવાનો અજાણતાં જ તેના બંધાણી બની જાય છે. રાત પડતાં જ આવી શંકાસ્પદ અમુક લારીઓ પર
યુવાનોનું કીડિયારું ઊભરાય છે, ત્યારે
સવાલ એ થાય છે કે, જે સ્વાદ ઘરે કે અમુક હોટેલોમાં નથી મળતો તે
આ લારીઓ પર જ કેમ મળે છે ? આ ભીડ સ્વાદની નહીં પરંતુ નશાની તલપની
હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમજ અમુક પાણીપૂરીની લારીઓ ઉપર પણ કીડિયારું ઊભરાતું
હોય છે. - પહેલાં જથ્થાબંધ
ખરીદી : આ દૂષણ માત્ર ફાસ્ટ ફૂડ પૂરતું સીમિત નથી
રહ્યું. કાઠિયાવાડી-કચ્છની ઓળખ સમાન ગણાતા માવા (ફાકી)માં પણ હવે અમુક દુકાનોમાં નશાકારક
પાઉડર ભેળવવામાં આવતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ નશાની તીવ્રતા એટલી હદે છે
કે, યુવાનો તેના પાકા બંધાણી બની ચૂકયા છે. સ્થિતિ
એટલી વણસી છે કે, ગાંધીધામથી બહારગામ જતી વખતે યુવાનો પોતાની
ખાસ ગણાતી દુકાનો કે ગલ્લા પરથી અગાઉથી જ રસ્તા માટે જથ્થાબંધ માવા ચીતરીને (બંધાવીને)
સાથે લઇ જાય છે ! જો આ માવા ન મળે તો યુવાનો ભારે બેચેની અનુભવતા હોવાનું પણ જાણવા
મળ્યું હતું. - યુવાધનના
શરીરમાં શું ? : પરિસ્થિતિની ગંભીરતા જોતાં જાણકારો કહી
રહ્યાં છે કે,
આ પ્રવૃત્તિ પર વહેલી તકે અંકુશ નહીં મુકાય તો યુવાધન સંપૂર્ણ
ખોખલું થઇ જશે. અમુક યુવાનોના શરીરમાં લોહી ઓછું અને કેમિકલયુક્ત નશો વધારે દોડી રહ્યો
છે, જે ભવિષ્ય માટે અત્યંત ભયજનક ઘંટડી હોવાનું જાણવા મળ્યું
હતું. - કયારે કાર્યવાહી થશે ? : પોલીસ અને
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા મહાનગરપાલિકાની ફૂડ શાખા સંયુક્ત રીતે આવી શંકાસ્પદ ચાની
કિટલીઓ, ફાસ્ટ ફૂડની લારીઓ, માવાના
ગલ્લા પર આકસ્મિક દરોડા પાડી મસાલા, પદાર્થોના નમૂના લઇ સીધા
(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) એફ.એસ.એલ.માં મોકલવામાં આવે અને પૃથકકરણમાં જો નશાનું
પ્રમાણ સાબિત થાય તો માત્ર સામાન્ય દંડ કરીને લારીઓ પાછી ચાલુ કરવા દેવાને બદલે આવી
દુકાનો સીલ કરી સંચાલકો સામે યુવાધનને બરબાદ કરવાનો અને માનવજીવ સાથે રમત રમવાનો ગુનો
નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ તેવી માંગ લોકો કરી રહ્યા છે. જો હવે તંત્ર
નહીં જાગે તો ગાંધીધામનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઇ જશે તે નક્કી હોવાનું સૂત્રો જણાવી
રહ્યાં છે.