ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ-આદિપુર વચ્ચે એરપોર્ટ
રોડ ઉપરના હિરાલાલ પારેખ સર્કલ નજીક વરસાદી પાણીના નિકાલ માટેનો કલવર્ટ બનાવવામાં આવી
રહ્યો છે. અહીં લાંબા સમયથી ખાડો ખોદીને કામગીરી ધીમી ગતિએ કરવામાં આવતાં અહીંનું કામ
લોકો, વાહનચાલકો માટે અત્યંત જોખમી બની ગયું છે. કલવર્ટની કામગીરી દરમિયાન યોગ્ય વ્યવસ્થાઓ
કરવામાં ન આવતાં અહીં વહેલી સવારે દુર્ઘટના ઘટી છે. કાર ખાડામાં ખાબકતાં અંદર બેઠેલા
લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે કલવર્ટની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન
બોર્ડ મૂકવામાં આવ્યું નથી. લાંબા સમયથી ખાડો ખોદીને રાખી દીધા પછી મંથરગતિએ કામ થઈ
રહ્યું છે. પરિણામે આ કામ નાગરિકો માટે અત્યંત
જોખમી બની ગયું છે. કલવર્ટ કામ ચાલુ છે, લોખંડના સળિયા પાથરવામાં આવ્યા છે અને તેવામાં યોગ્ય વ્યવસ્થાઓ ન હોવાથી વાહનચાલકોનું
ધ્યાન રહેતું નથી. વહેલી સવારે એક કાર તેમાં પડી જતાં અંદર બેઠેલા લોકોને ઇજાઓ પહોંચી
હોવાનું સામે આવ્યું છે. જો કે, સદનસીબે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો નથી, પરંતુ કોન્ટ્રાક્ટરની અને મહાનગરપાલિકાની ગંભીર
બેદરકારીએ લોકોની જિંદગી ઉપર જોખમ ઊભું થયું છે. રામબાગ રોડનું કામ લાંબા સમયથી બંધ
જેવી સ્થિતિમાં છે, ખોદકામ કરીને રાખી દીધા બાદ કોઈ કારણસર કામ પ્રગતિ કરતું નથી. રામબાગ
હોસ્પિટલ અને આદિપુર જવાનો તે મુખ્ય રોડ છે. અહીં જ વરસાદી નાળાંનું ખોદકામ કરીને કલવર્ટ
બનાવવામાં આવી રહ્યું છે. ઘણા દિવસોથી અહીં મલબાનો ઢગલો રાખવામાં આવ્યો હતો, પરંતુ
કામગીરી માટે તેને બાજુએ કરતા અહીં અકસ્માતનો ખતરો વધી ગયો હતો અને એ દરમિયાન વહેલી
સવારે આ કાર વરસાદી નાળાંમાં ખાબકી હતી. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્રની
ભૂમિકામાં હોવાના આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે કામો પ્રગતિમાં નથી અને
કોન્ટ્રાક્ટરો પણ તંત્રના આદેશનું પાલન ન કરતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. જોડિયા
શહેરોના અનેક વિસ્તારોમાં માર્ગોનાં કામ ધીમી
ગતિએ થાય છે અને ગુણવત્તા સાથે બાંધછોડ કરાતી હોવાના ગંભીર આક્ષેપો છે, પરંતુ અધિકારીઓ
દ્વારા તપાસ કરવામાં ન આવતી હોવાથી કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ મનસ્વી રીતે કામગીરી કરી
રહ્યા હોવાના આક્ષેપો જાણકારો દ્વારા થઈ રહ્યા છે. જો ચોમાસાં પહેલાં કામો પૂર્ણ કરવામાં
નહીં આવે, તો જોડિયા શહેરોના નાગરિકોને મહામુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતી
ઊભી થવાની સંભાવના છે. અકસ્માત જેવી ગંભીર ઘટનાઓને ટાળવા માટે કોન્ટ્રાક્ટરોને જરૂરી
સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે.