ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છમાં સૂરજબારી ચેકપોસ્ટ
અને શિવલખાની સીમમાં પોલીસે કાર્યવાહી કરીને રૂા. 2,38,165ના દારૂ સાથે એક હોટેલ સંચાલકને પકડી પાડયો હતો. એક દરોડામાં
સાબૂના ગોટાની જેમ આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. સામખિયાળીની સ્થાનિક પોલીસે
પૂર્વ બાતમીના આધારે સૂરજબારી ટોલનાકા આગળ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, તેવામાં બાતમીવાળી
કાર આવતાં તેને રોકાવવા જતાં કારચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું અને આગળ જઇને
ડિવાઇડર સાથે અથડાતાં કાર ઊભી રહી ગઇ હતી. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં અજાણ્યો આરોપી
સરકી જવામાં સફળ રહ્યો હતો. આ કાર નંબર જી.જે.-12-એફ.ડી.- 0252માંથી અન્ય
ચાર નંબરપ્લેટ મળી આવી હતી. જેના નંબર જી.જે.-06-પી.એન.- 4690, જી.જે.-27-ઇ.ડી.- 1693, જી.જે.-36-એ.એલ.- 8276 તથા જી.જે-39-સી.બી.-5945 જણાયા હતા. આ પૈકી કારની
સાચી નંબરપ્લેટ જી.જે.-06-પી.એન.-4690 હોવાનું બહાર આવ્યું હતું.
આ વાહનોમાંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની
264, 8 પી.એમ.ની 36 બોટલ તથા 8 પી.એમ. 180 મિ.લિ.ના 120 અને ગ્રીન લેબલના 24 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા.
1,00,940નો શરાબ જપ્ત કરાયો હતો.
આ કાર કોની છે ? કોણ ચલાવતું હતું ? દારૂ કોણે મગાવ્યો ? કોણે મોકલાવ્યો હતો ? તે કાંઇ
જ બહાર આવ્યું નથી, જેની હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી કાર્યવાહી સામખિયાળી-રાધનપુર
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક શિવલખાની સીમમાં ગુરુકૃપા હાઇવે હોટેલમાં કરવામાં આવી હતી.
અહીં પાછળના ભાગે દારૂ ઉતારનારા હોટેલના સંચાલક શંભુસિંઘ હરિસિંઘ રાજપૂતની અટક કરાઇ
હતી. તેને સાથે રાખી પ્રાંગણમાં ઊભેલા ટ્રેક-ટ્રેઇલર નંબર આર.જે.-07-જી.ડી.-3196ની તપાસ કરતાં ટૂલ બોક્સના
ખાનામાંથી દારૂ મળ્યો હતો. અહીંથી પોલીસે રૂા. 49,225ના 320 બિયરના
ટીન જપ્ત કર્યા હતા. ટ્રકચાલક રોહિત ઉર્ફે મોહિત સુરેન્દરકુમાર જયાની તથા માલ મગાવનાર
લાકડિયાના ઇરફાન શેરમામદ રાઉમા હાથમાં આવ્યા નહોતા.