ગાંધીધામ, તા. 21 : રાપરમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં અજાણ્યા આરોપીએ છરી વડે હુમલો કરી મહેબૂબ રિયાસતઅલી શેખ (ઉં.વ.25) નામના યુવાનની હત્યા નીપજાવી
નાખી હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બનાવને
પગલે પોલીસબેડાંમાં દોડધામ મચી હતી. આજે સાંજે
6.20 વાગ્યાના અરસામાં દુબરિયા
વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ
વિગતો આપતાં જણાવ્યું હતું કે, બિરિયાની ખાવા
મુદ્દે થયેલી બબાલમાં હત્યાનો આ બનાવ બન્યો
હતો. બોલાચાલી દરમ્યાન ઉશ્કેરાયેલા અજાણ્યા
આરોપીઓએ મૂળ ઉતરપ્રદેશ અને હાલે રાપરમાં રહેતા મહેબૂબભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
મૃતક યુવાન બનાવ સ્થળે કામ કરતો હોવાનું પણ જાણકારોએ ઉમેર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત
થયેલા યુવાનને સારવાર કારગત નીવડે તે પહેલાં
આંખો મીંચી લીધી હતી. આ ગુનામાં કેટલા આરોપીઓ સામેલ હતા સહિતની દિશામાં પોલીસે તપાસ
તેજ બનાવી છે. હત્યાના બનાવને લઈને આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા સહિતની દિશામાં પોલીસે ચક્રો
ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે. આ લખાય છે, ત્યારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં રાપર પોલીસે
વિધિવત રીતે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો સાંપડી
ન હતી. રાપર પોલીસ અધિકારી આર.એલ. ખટાણાનો સંપર્ક કરતાં તેમણે બનાવ અંગે સમર્થન આપ્યુ
હતું.