અમદાવાદ/ભુજ, તા. 21 : ગત છઠ્ઠી મેના અમદાવાદથી
ભુજ 80 લાખની ચાંદી સહિતના મુદ્દામાલ
સાથે ડિલિવરી આપવા નીકળેલો આંગડિયા પેઢીનો કર્મચારી ફરાર થયાના ચકચારી બનાવમાં આ ચોરાઉ
મુદ્દામાલ વેચવા અમદાવાદની રતનપોળમાં તેના બે સાગરિત આવતાં અમદાવાદની એલસીબીએ દબોચી
લીધા હતા. અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં
મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે
ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોનાં, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને
રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન-3 એલસીબી (કઈઇ) પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે
કરવા આવેલા બે સાગરિતને 80 લાખ રૂપિયાના
દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડયા છે. અમદાવાદની રતનપોળની આંગડિયા પેઢીમાં કામ કરતા જિગરાસિંહ
વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના સોનાં, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ
ખાતે સેફ ડિલિવરી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જો કે, જિગર નિયત સ્થળે પહોંચ્યો જ નહોતો
અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પત્તો ન લાગતાં
આખરે આંગડિયા પેઢીના સંચાલકોએ ગત 11મી મેના કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી
હતી. ડિવિઝનના એસીપી જિતેન્દ્ર ચૌધરીના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોર
રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી
રકમ ભેગી કરવા ઝડપી પૈસા કમાવવાનો આ શોર્ટકટ અપનાવ્યો હતો. આ ચોરીનું સંપૂર્ણ પ્લાનિંગ મુખ્ય આરોપી જિગરાસિંહ
અને તેને સાત દિવસ પહેલાં જ આંગડિયા પેઢીમાં નોકરી પર રખાવનાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા
વિપુલ ઠાકોરે કર્યું હતું. યોજના મુજબ, જિગર પેઢીમાંથી કરોડોનો સામાન સેરવીને સીધો
સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત
કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને રોકડા રૂપિયા કરવાની જવાબદારી સોંપાઈ
હતી. નવાઈની વાત એ છે કે, તેઓ આ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સની
દુકાને આવ્યા હતા. આ ગુનાની તપાસ કરી રહેલી ઝોન-3 એલસીબીના પીએસઆઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીનો મુદ્દામાલ
વેચવા માટે બે શંકાસ્પદ ઇસમ રતનપોળ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે
તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને વોચ રાખીને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને
રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક
રિકવર કરી લીધો છે. જો કે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગડિયા પેઢીના કર્મચારી જિગરાસિંહ
વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસપકડથી દૂર છે, જેમને પકડી પાડવા માટે કાલુપુર પોલીસે
અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.