• શુક્રવાર, 22 મે, 2026

હત્યાના આરોપીએ દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યું !

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 12 વર્ષથી પેરોલ પર ફરાર રહી નાસતા ફરતા હત્યાના આરોપીને આખરે પકડવામાં સફળતા મેળવી છે. આરોપી ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીકથી ઝડપાયો છે. આરોપી હત્યા જેવા ગુનામાં જેલની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વિચિત્ર વાત એ છે કે આટલા વર્ષો સુધી આરોપી હિન્દી, ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં સહાયક અભિનેતા તરીકે તથા અલગ અલગ નાટકોમાં કામ કરી રહ્યો હતો!. પોલીસે આ કલાકારને ઝડપીને ફરી જેલના સળિયા પાછળ મોકલવાની કવાયત શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપી હેમંત મોદીએ વર્ષ 2005માં હત્યાનો ગુનો કર્યો હતો, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2014માં તેને 30 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી. પેરોલના દિવસો પૂરા થતા હેમંત મોદીને મહેસાણા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે ત્યાં હાજર થયો નહતો અને પેરોલના સમય દરમિયાન ભાગી ગયો હતો.  12 વર્ષ સુધી આ મોસ્ટ વોન્ટેડ રહ્યો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે પોતાની ઓળખ પણ બદલી નાખી હતી. તેણે  'સ્પંદન મોદી' નામ ધારણ કરીને મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા 12 વર્ષ દરમિયાન તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ તેમજ નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી 20થી વધુ ફિલ્મો અને વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂક્યો હતો. રણવીર સિંહની જયેશભાઈ જોરદાર તથા આમીરખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સહિતની જાણીતી ફિલ્મોમાં પણ તેણે કામ પણ કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ગુપ્ત માહિતી મળી હતી કે, સ્પંદન મોદી તરીકે ઓળખાતો વ્યક્તિ હકીકતમાં વોન્ટેડ કેદી હેમંત મોદી જ છે. ત્યારબાદ પોલીસે તેની હલચલ પર નજર રાખી હતી. આખરે એક સિરિયલનું શાટિંગ પૂર્ણ કરીને ઘરે જતી વખતે પોલીસે તેને ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીકથી ઝડપી લીધો હતો. 

Panchang

dd