• શુક્રવાર, 22 મે, 2026

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં લફરાના આરોપીને 20 વર્ષની સખત કેદ

ભુજ, તા. 21 : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપી ભરતસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. 35 રહે. લફરા, તા. મુંદરા)ને ભુજની સ્પે. અદાલતે તકસીવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 55 હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 9/12/24ના પ્રાગપર પોલીસ મથકે આરોપી ભરતસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીએ 17 વર્ષની સગીરાના મોબાઈલ નંબર મેળવી અવાર-નવાર ફોન કરી વિશ્વાસમાં લઈ, ફોસલાવી મરજી વિરુદ્ધ ત્રણ-ચાર વખત બળજબરીથી શારીરિક સંબંધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પી.આઈ. એચ.એસ. ત્રિવેદીએ તપાસ આદરી પુરાવા સાથે ચાર્જસીટ અદાલતમાં દાખલ કરી હતી. આ કેસ ભુજની સ્પે. અદાલતમાં આવી જતા ફરિયાદ પક્ષે રજૂ થયેલા 30 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષી તપાસાયા હતા. વિવિધ કલમોમાં જજ જે.એ. ઠક્કરે આરોપી ભરતસિંહને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ કુલ રૂા. 55 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગબનનારને ચાર લાખના વળતર માટે ડી.એલ. એસ. એને ભલામણ કરવા તથા આરોપી દ્વારા દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કર્યો છે. કોર્ટે સી.ડબલ્યુ.સી. તથા ડી.સી.પી.યુ.ને હુકમ કર્યો છે કે, ભોગ બનનારનો સંપર્ક કરી તેનો જીવન તથા શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તેની કાળજી લેવા માર્ગદર્શન આપવું. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજરી રહી સાક્ષી તપાસી, દલીલ કરી હતી. 

Panchang

dd