• શુક્રવાર, 22 મે, 2026

ગાંધીધામ-આદિપુરમાં પીવાનાં પાણીની ગંભીર કટોકટી

ગાંધીધામ, તા. 21 : વૈશાખી તાપ જનજીવન ઉપર અસર કરી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટમાં આમ પણ લોકો પરેશાન છે, તે વચ્ચે પીવાનાં પાણીની ગંભીર કટોકટી લોકો માટે રીતસર મુસીબત બને છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં નિયમિત પીવાનું પાણી મળતું નથી અને જ્યારે મળે છે ત્યારે પણ અપૂરતું મળતું હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.  - ચાર દિવસના બદલે છથી આઠ દિવસે વિતરણ  : પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાલના સમય ટપ્પર  વરસામેડીથી ગાંધીધામને માંડ-માંડ 29 એમએલડી પાણી આપવામાં આવે છે, જે ઉનાળાના ધોમધખતા તાપમાં અપૂરતું છે. અનેક વિસ્તારોની સપ્લાય ઉપર ગંભીર અસર પડી છે. દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે, તેના બદલે હાલના સમયે છઠ્ઠા દિવસે અથવા તો સાતમા દિવસે પાણી મળે છે. ઘણા વિસ્તારોમાં તો અઠવાડિયા પછી સપ્લાય થઈ રહ્યું છે. અસહ્ય મોંઘવારીમાં લોકોને આર્થિક બોજ સહન કરીને પાણીના ટેન્કરો મગાવવા પડી રહ્યાં છે. પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાનું સૂત્રો કહી રહ્યા છે, તો પછી ગાંધીધામને જથ્થો શા માટે વધુ આપવામાં આવતો નથી, તે સહિતના અનેક સવાલો ઊભા થયા છે. - પાણી પુરવઠા દ્વારા વધુ પાણી અપાતું નથી : તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીએ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, તેમાં જથ્થો વધારવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી તે જથ્થો વધુ આપવાની કાર્યવાહી થઈ નથી. તેના પરિણામે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના અનેક વિસ્તારો બૂંદ-બૂંદ પાણી માટે તરસી રહ્યા છે. લોકો ફરિયાદો કરે છે, પરંતુ પાણીનો જથ્થો ન હોવાથી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોઈ પગલાં ભરી શકતા નથી.  - આદિપુરમાં કપરી સ્થિતિ : આદિપુરમાં તો સ્થિતિ અત્યંત વિકટ છે, અહીં અનેક વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણી મળ્યું નથી, તો અમુક વિસ્તારોમાં પાંચમા દિવસે પાણી આવ્યું પણ તે અપૂરતું આવતાં મુશ્કેલી યથાવત્ છે. 45 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે, તેમાં પાણીની જરૂરિયાત વધે છે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે રાજ્ય સરકાર સુધી રજૂઆત કરે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તે સહિતની વ્યવસ્થાઓ ઊભી કરે તે અત્યંત જરૂરી છે. - શિણાય ડેમને સક્રિય કરાય તે જરૂરી  : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકાનો 188 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પીવાના પાણીના મામલામાં માત્ર ટપ્પર ડેમ આધારિત છે, તેમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી હાલના સમયે ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે. તેવામાં શિણાય ડેમને સક્રિય કરવામાં આવે અને અહીંથી એક ઝોનમાં પાણી વિતરણની વ્યવસ્થા ઊભી કરાય તો ટપ્પર ઉપરથી આધાર ઘટશે અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી પણ શક્યતાઓ છે. શિણાય ડેમ ઉપર વ્યવસ્થાઓ ઊભી કરવાની વાત થઈ છે, પરંતુ હજુ સુધી તે દિશામાં પગલાં ન ભરાતાં સવાલો ઊઠી રહ્યા છે.   

Panchang

dd