• રવિવાર, 19 એપ્રિલ, 2026

ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં દારૂની બદી વકરી

ગાંધીધામ, તા. 18 : દેશના છેવાડે આવેલ સરહદી મુલકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ  તંત્ર  તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે, તો બીજી બાજુ ચૂંટણીના મુરતિયાઓએ લોકશાહીના રાજાને રીઝવવા માટે  વ્યાયામ આદર્યો છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે સ્થાનિક  પોલીસની  કસોટી શરૂ  થઈ છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ સહિતના વિસ્તારમાં  દારૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદ સમયાંતરે ઊઠી છે. ભૂતકાળના સમયમાં ત્રસ્ત બનેલા લોકોએ  દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરીને પોલીસ પ્રસાશનની કામગીરી  ઉપર  સવાલો ઉઠાવ્યા છે. આ સ્થિતિમાં ચૂંટણીમાં  મંદિરાપાનના  પ્રેમીઓ માટે વ્યવસ્થા ગોઠવવા માટે બુટલેગરોએ બહારના  રાજ્યમાંથી દારૂનો જથ્થો એકત્રિત કરવા  કવાયત હાથ ધરી છે. તાજેતરમાં  મુંબઈથી ગાંધીધામ ટ્રાન્સપોર્ટમાં  કેમિકલના પીપમાં મોકલાયેલ રૂા. 10 લાખની  કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો સરખેજ પોલીસે પકડી પાડયો હતો. ચૂંટણી ટાણે બુટલેગરોએ પૂર્વ કચ્છમાં દારૂ ઠાલવવાની પેરવી હાથ ધરી  છે. અમદાવાદ સરખેજ પોલીસની કાર્યવાહી આ બાબતની ચાડી  ખાય છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે  પૂર્વ કચ્છ પોલીસતંત્રના વ્યાયામ  વચ્ચે  દારૂની બદી અટકવાનું નામ લેતી નથી, આટલું જ નથી.  રાજ્યસ્તરની ટુકડીઓએ પણ વખતોવખત  દારૂના દરોડો પાડયા છે. જેને લઈને સ્થાનિક પોલીસતંત્ર  પ્રતિષ્ઠા ઉપર સવાલો ઊઠયા છે. નોંધપાત્ર છે કે, સ્થાનિક પોલીસ દ્વારા પકડાયેલા માતબર રકમના દારૂના જથ્થાના પ્રકરણમાં મૂળ સુધી તપાસ થતી  ન હોવાના  આક્ષેપો પણ ઊઠયા છે. ચૂંટણીમાં કેફી પીણુ પીનારા વર્ગને સાચવવા  તથા ખાટલા બેઠકોમાં દારૂ આપવા  તથા પહોંચાડવા વિવિધ મોરચે કથિત  તૈયારીઓ આરંભી છે. જો કે, આ ગોઠવણને નિષ્ફળ બનાવવા અને દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક પોલીસને કેટલા અંશે સફળતા મળે તેના ઉપર  સૌની મીટ મંડાઈ છે. 

Panchang

dd