• રવિવાર, 19 એપ્રિલ, 2026

પૂર્વ કચ્છમાં નશાનું નેટવર્ક : ચા સાથે પીરસાય છે ઝેર !

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 18 : ઔદ્યોગિક હબ ગણાતા પૂર્વ કચ્છમાં કેટલાક સમયથી માદક પદાર્થોના સેવન, વેચાણમાં  ચિંતાજનક ઉછાળો જોવા મળે છે. અગાઉ પોલીસ દ્વારા અનેકવાર ગાંજાની ખેતી ઝડપી પાડી છે, પરંતુ હવે નશાના સોદાગરોએ ગ્રાહકોને આકર્ષવા માટે નવી અને જોખમી પદ્ધતિ અપનાવી હોવાનું સપાટી પર આવ્યું છે. ધોરીમાર્ગો આસપાસ આવેલી કેટલીક હોટેલ, ઢાબાઓમાં ચાના બંધાણીઓને આકર્ષવા ચામાં માદક પદાર્થોનું મિશ્રણ કરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે. પૂર્વ કચ્છમાં થોડા સમય પહેલાં પોલીસે કરોડોની ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. હાલમાં ભચાઉ નજીક મંદિરના પ્રાંગણમાંથી ગાંજાના 59 છોડ ઝડપાયા હતા. આ અગાઉ પણ અનેક વખત નશાની ખેતી પોલીસે પકડી પાડી છે. પૂર્વ કચ્છના ઉદ્યોગોની ભરમારટ્રાન્સપોર્ટ હબના કારણે અસંખ્ય વાહનચાલકોની અવરજવર, શ્રમિકો આવીને વસ્યા છે. ધોરીમાર્ગ પરથી પસાર થતા ટ્રક, ટેન્કરચાલકો અને શ્રમિક વર્ગને જાગતા રાખવાના બહાને અથવા સ્વાદનાં નામે ચામાં અફીણના ડોડાનો પાઉડર કે અન્ય કેફી દ્રવ્યો ભેળવવામાં આવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. આવી નશાયુક્ત ચા પીધા બાદ બંધાણીમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે તેમજ ક્યારેક ઘેન ચડે છે. આવી ધીમી આદતનાં કારણે ગ્રાહક તે હોટેલ, ઢાબાની ચાનો બંધાણી બની જતો હોય છે. બંધાણી બન્યા પછી ગ્રાહક નશાની લત પૂરી કરવા ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર થઇ જતો હોય છે. બાદમાં ધીમે ધીમે તે સીધા ગાંજા વગેરેનું સેવન કરવાનું ચાલુ કરી દેતા હોવાનું પણ જાણવા મળે છે. ધોરીમાર્ગોની સાથોસાથ શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ છૂપી રીતે માદક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. અગાઉ ખેતરોમાં થતી ગાંજાની ખેતીએ સાબિત કર્યું છે કે, સ્થાનિક સ્તરે આનું વાવેતર અને સપ્લાય ચેઇન મજબૂત બની રહી છે. પોલીસની કાર્યવાહી છતાં આ બદી ડામી શકાતી નથી, જે તંત્ર સામે અનેક સવાલો ઊભા કરે છે. તબીબોના જણાવ્યાનુસાર ચા સાથે લેવામાં આવતા કેફી દ્રવ્યો લાંબાગાળે  કિડની, લિવર, મગજ પર ગંભીર અસર કરે છે. માણસ  માનસિક રીતે અસ્થિર બની શકે છે તેમજ રોગપ્રતિકારક શક્તિ નાશ પામે છે. આવી દુકાનો, હોટેલો, ઢાબાઓમાં અચાનક તપાસ હાથ ધરીને ખાદ્યસામગ્રી સહિતના નમૂના લઈ કડક કાર્યવાહીની સમયની માંગ છે. અન્યથા આ બદીમાં યુવાનો શારીરિક, આર્થિક રીતે પાયમાલ બની જશે તેમાં બે મત ન હોવાનું જાણકાર લોકો જણાવી રહ્યા છે.  

Panchang

dd