• શનિવાર, 28 માર્ચ, 2026

રાપરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું

ગાંધીધામ, તા. 27 : રાપરની મામલતદાર કચેરી પાછળ ત્રિકમનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સે પિતાની નજર સામે દયાળ કોળી નામના યુવાનને છરીના ઘા ઝીંકી તેને પતાવી નાખ્યો હતો. આ બનાવમાં એકાદ બે શખ્સો રાઉન્ડઅપ કરાયા હતા. રાપરમાં મામલતદાર ઓફિસ પાછળ ત્રિકમનગરમાં રહેતા બળદેવ ખેતા કોળીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના ત્રણ સંતાન પૈકી મોટો દીકરો માદેવ જે પરિણીત છે તે આધોઈ રહે છે. સૌથી નાના દીકરા દયારામ ઉર્ફે દયાળના અગાઉ લગ્ન બાદ તેના છૂટાછેડા થયા હતા. ગઈકાલે દાયારામ આધોઈથી રાપર આવી પોતાના પિતાને ફોન કરી બગીચા પાસે ઊભો છું. લેવા આવો તેવું કહ્યું હતું, જેથી તેના પિતા તેને ઘરે લાવ્યા હતા, ત્યારે તેમના ઘર પાસે દિનેશ તળશી કોળી, પરબત પ્રતાપ કોળી બેસીને ગાળાગાળી કરી રહ્યા હતા, જેની મૃતક યુવાને ના પાડી હતી અને અહીં ન બેસવા કહેતાં બંને ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સાંજના સમયે ફરિયાદી પોતાના ઘરમાં મંદિરમાં સેવા-પૂજા કરી રહ્યા હતા, ત્યારે દયારામ તેમની પાસેથી રૂપિયા લઈને ઘરેથી બહાર નીકળ્યો હતો. થોડીવારમાં રાડારાડનો અવાજ આવતાં ફરિયાદી બહાર નીકળ્યા હતા. ત્યારે આરોપી દિનેશ તળશી કોળી, પરબત પ્રતાપ કોળી, દિલીપ તળશી કોળી અને હરેશ ઉર્ફે મુકો તળશી કોળી નામના શખ્સોએ દયારામને પકડી પાડયો હતો. અને બે શખ્સોએ પેટમાં તથા પાછળના ભાગે છરી ઝીંકી દીધી હતી. ફરિયાદીએ દોડીને રાડારાડ કરતાં આ શખ્સો હુમલો કરીને નાસી ગયા હતા. લોહી નીંગળતી હાલતમાં યુવાનને સારવાર માટે લઈ જવાતાં તેને મૃત જાહેર કરાયો હતો. આ પ્રકરણમાં પોલીસે દોડધામ કરી એકાદ બે આરોપીને રાઉન્ડઅપ કરી લીધા હોવાનું પી.આઈ. જે.બી. બુબડિયાએ જણાવ્યું હતું. 

Panchang

dd