ભુજ, તા. 27 : કચ્છમાં વ્યાપેલી દારૂની બદીની
જેમ જ હવે માદક પદાર્થોનું દૂષણ પણ વ્યાપકપણે વધી ગયું હોય તે રીતે અવાંતરે ચરસ સહિતના
કેફી પદાર્થો ઝડપાતા હોય છે, તે વચ્ચે
પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજીએ વધુ એક કાર્યવાહી કરી હતી અને માંડવી તાલુકાના નલિયા ધોરીમાર્ગ
પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી માદક પદાર્થ ગાંજાના 1.321 કિલો જથ્થા સાથે સાગર શાંતિલાલ
મોતીવરસ (ખારવા) નામના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂા. 4,09,390નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માંડવી-નલિયા ધોરીમાર્ગ પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી
આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ (ખારવા)ને માદક પદાર્થ ગાંજાના 1 કિલો 321 ગ્રામ જથ્થા કિં. રૂા. 66,050 સાથે ઝડપી પાડયો હતો.પકડાયેલા આરોપી પાસેથી માદક પદાર્થ ઉપરાંત
ત્રણ મોબાઈલ કિં. રૂા. 43,000, રોકડા
રૂા. 240, એક કાર કિં. રૂા. 3,00,000 તથા એક વજનકાંટો મળી કુલ રૂા.
4,09,390નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ગાંજાનો આ જથ્થો આરોપી ક્યાંથી લઈ આવ્યો અને તેણે કોને-કોને વેચાણ કર્યું છે તથા તેની
સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે જાણવા સહિતની કાર્યવાહી અર્થે આરોપી સામે એનડીપીએસ
કાયદા તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ.ડી. પરમાર, પી.સી. શીંગરખિયા, એએસઆઈ
સિદ્ધરાજસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ
સોતા, હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, કોન્સ. દિનેશભાઈ ચૌધરી અને ડ્રા. મિતેશભાઈ રાજગોર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વધી રહેલા માદક પદાર્થના દૂષણના
કારણે અનેક યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી છે, ત્યારે ગાંજા,
ચરસ, એમડી ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોનો વેપલો
કરનારા સામે તંત્ર દ્વારા ધોંસ બોલાવાય તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે.