• બુધવાર, 18 માર્ચ, 2026

આડેસર પાસે ચોખાની આડમાં શરાબ ઘુસાડવાનો કારસો

ગાંધીધામ, તા. 16 : રાપરનાં આડેસર નજીક ચેકપોસ્ટ પરથી પોલીસે એક ટ્રકમાં ચોખાની બોરીમાં લઈ અવાતા શરાબકાંડનો પર્દાફાશ કર્યો હતો. ચોખાની આડમાં કચ્છમાં આવતો રૂા. 78,96,000ના શરાબ સાથે બે શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. દારૂ મગાવનારા કેરા, ભુજ, આદિપુરના શખ્સોનાં નામ જાહેર થયાં હતાં. આડેસર પોલીસે દોઢ-બે વર્ષ બાદ ચેકપોસ્ટ ખાતેથી આટલી મોટી માત્રામાં અંગ્રેજી દારૂ પકડી પાડયો છે. બે વર્ષ પહેલાં આટલી મોટી માત્રામાં અહીંથી શરાબનો જથ્થો પકડાયો હતો. થોડા સમય પહેલાં પોલીસવડાએ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી હતી, જે પૈકી અનેક હજુ પોતાની જગ્યાએ ચીપકેલા છે, જ્યારે આડેસરમાં કર્મીઓને છૂટા કરાયા બાદ સફળ કાર્યવાહીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આજે સવારે આડેસર પોલીસ ચેકપોસ્ટ ઉપર હતી દરમ્યાન પી.આઈ. વી.એ. સેંગમને પૂર્વ બાતમીના આધારે પોલીસ સતર્ક કરાઈ હતી અને સાંતલપુર બાજુથી આવતી ટ્રક નંબર એચઆર-46-ઈ-1993ને રોકાવાઈ હતી. આ ટ્રકમાં ચોખાની આડમાં દારૂ હોવાની બાતમીના પગલે ટ્રકમાં સવાર હરિયાણાના નુરદીન મંગતુ ડુમ (મીરાસી) તથા શ્રી ભગવાન ઉદયસિંઘને પકડી લેવાયા હતા. ટ્રકના ઠાંઠામાં રહેલી ચોખાની બોરી હટાવી તપાસ કરાતાં તેમાં દારૂની પેટીઓ નીકળી પડી હતી. આ વાહનમાંથી રોયલ સ્ટેગ 750 એમ.એલ.ની 3444 બોટલ, સુપર જુબીલી 750 એમએલની 1788 બોટલ તથા સુપર જુબીલીના 180 એમ.એલ.ના 7680 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 78,96,000નો દારૂ જપ્ત કરાયો હતો. પકડાયેલા શખ્સોએ અગાઉ પણ દારૂની ખેપ મારી હતી. ગત તા. 22-23/2ના હરિયાણાથી યોગેશે સતવીર સિંઘ, ટ્રક માલિક વિક્રાંત ઈશ્વર સિંઘના કહેવા પ્રમાણે ચોખાની આડમાં દારૂ ભર્યો હતો અને મુંદરા ઝીરો પોઈન્ટ પહોંચ્યા હતા, જ્યાં અનોપસિંહ રાઠોડ (કેરા)ના માણસો ત્યાં આવ્યા હતા. અનોપસિંહ સાથે નવઘણ રાજગોર (ભુજ), દેવો કાપડી (આદિપુર), ગોપાલસિંહ વાઘેલા (ભુજ) તથા અન્ય માણસો આવ્યા હતા. આ લોકો છ સાત કિ.મી. અવવારુ જગ્યાએ ટ્રક લઈ જઈ ત્યાં નાના વાહનોમાં દારૂ ભરીને નીકળી ગયા હતા. બાદમાં ફરીથી યોગેશ અને રવિ જાટે ચોખાની આડમાં દારૂ ભરી મુંદરા લઈ જવાનું કહ્યું હતું અને એક ખેપના 40,000 આપવાનું નક્કી કરાયું હતું. બાદ તા. 12/3ના ચિક્કા, રાજીન્દર એન્ડ સન્સ કંપનીમાં ચોખાની આડમાં દારૂ ભરી અને અનોપસિંહ રાઠોડ, ગોપાલસિંહ વાઘેલા, નવઘણ રાજગોર, દેવો કાપડીને આ માલ પહોંચાડવાનો હતો. માલ ત્યાં પહોંચે તે પહેલાં આડેસર પોલીસે આ દારૂ આજે સવારે પકડી પાડયો હતો. પોલીસે પકડાયેલા શખ્સો સાથે યોગેશ, રવિ, વિક્રાંત, અજાણ્યો શખ્સ, નવઘણ, અનોપસિંહ, દેવો, ગોપાલસિંહ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પી.આઈ. સાથે ગાંડાભાઈ ચૌધરી, શિરીષ ચૌધરી, આણદાભાઈ, રાજાભાઈ, મહેન્દ્રસિંહ, ઈશ્વરભાઈ, મુકેશજી, જી.આર.ડી.ના હારુન હિંગોરજા, નવીન ભટ્ટી, ભરત ભટ્ટી, કાંતિ શુક્લ વગેરે જોડાયા હતા.

Panchang

dd