• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ચોખાની આડમાં વરસાણા આવેલો 2.06 કરોડનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી એક હોટેલના પાર્કિંગમાં ગઇકાલ સવારથી રેઢી પડેલી ટ્રકમાંથી રાજ્યસ્તરની એસ.એમ.સી.ની ટીમે રૂા. 2,06,72,000નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે, આ કાર્યવાહી દરમ્યાન એકેય આરોપી હાથમાં આવ્યા નહોતા. એસ.એમ.સી.ની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. રાજ્યની સ્ટેટ મોનીટરિંગ સેલની એક ટીમ આજે સવારે ભચાઉ-ગાંધીધામવાળા ધોરીમાર્ગ ઉપર હતી દરમ્યાન, વરસાણા ગામ નજીક ઓવરબ્રિજના છેડે આવેલી આશાપુરા હોટેલના પાર્કિંગમાં રહેલી ટ્રકમાં દારૂ હોવાની બાતમી આ ટીમને મળી હતી જેના આધારે પોલીસની રાજ્યની ટીમ આ હોટેલમાં આવી હતી અને બાતમીવાળી ટ્રક નંબર આર.જે. 17 જી.બી. 1477 જોતાં બંધ હાલતમાં જણાઇ હતી. તેમાં પાછળ તાળપત્રી ઢાંકેલી અને રસ્સી બાંધેલા જણાયા હતા. હોટેલના સંચાલક મોહન ઉર્ફે મુન્ના ગોમારામ જાટ (ચૌધરી)ને પૂછતાં ગઇકાલે તા. 14/2ના સવારથી આ ટ્રક પાર્કિંગમાં પડી છે, કોઇ લેવા આવ્યું નથી તેવું જણાવ્યું હતું. આ વાહનમાંથી કોઇ શખ્સ ન મળતાં તાળપત્રી હટાવી તપાસ કરતાં શરૂઆતમાં ચોખાની બોરીઓ નજરે પડી હતી. આ બોરીઓ હટાવતાં તેની નીચે દારૂની પેટીઓ નજરે પડી હતી જેથી આ વાહન ચાલુ કરી તેને અંજાર પોલીસ મથકના પ્રાંગણમાં લઇ જવાયું હતું. રાજસ્થાનની આ ટ્રકમાંથી રોયલ ચેલેન્જ 750 મિ.લી.ની 2832 બોટલ, રોયલ ચેલેન્જ 180 મિ.લી.ના 11,040 ક્વાર્ટરિયા, રોયલ સ્ટેગની 750 મિ.લી.ની 5134 બોટલ, રોયલ સ્ટેગની 180 મિ.લી.ના 4800 ક્વાર્ટરિયા, ઓલ સિઝનની 750 મિ.લી.ની 2879 બોટલ, ઓલ સિઝનના 180 મિ.લી.ના 3360 ક્વાર્ટરિયા એમ કુલ નાની-મોટી 30,045 બોટલ કિં. રૂા. 2,06,72,000નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે આ વાહનમાંથી રેગ્યુલર ઇન્ડિયન વ્હાઇટ રાઇઝના 440 કટ્ટા, બારગઢથી ગાંધીધામની બિલ્ટી, આર.સી. બૂક, ફિટનેસ સર્ટિ., પી.યુ.સી. વગેરે કાગળો જપ્ત કરવામાં આવ્યા હતા. હોટેલના પાર્કિંગમાં કે હોટેલમાં સી.સી. ટી.વી. કેમેરા છે કે નહીં તેમજ ગઇકાલે સવારે અહીં ટ્રક કોણ મૂકી ગયું હતું, આર.સી. બૂકમાં કોનું નામ છે ? તે સહિતની તેમજ દારૂ કોણે મંગાવ્યું હતું અને કોણે ક્યાંથી મોકલાવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ મોકલનારા મૂળ બુટલેગરો સુધી પહોંચી ન શકે તે માટે તમામ બોટલો પરથી બેચ નંબર વગેરે લખાણ ચેકી નાખવામાં આવ્યા હતા. એસ.એમ.સી.ની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ પડી હતી અને હવે કોની વિકેટ પડશે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સંભળાવા લાગ્યો હતો. 

Panchang

dd