ગાંધીધામ, તા. 22 : શહેરમાં પુત્રીના આત્મહત્યાના આઘાતમાં માતા હંસાબેન વાલજીભાઈ
મતિયા (ઉ.વ. 41)એ પણ ગળેફાંસો ખાઈ જિંદગીનો
અંત આણ્યો હતો. ભચાઉ વાડીવિસ્તારમાં વીજશોક
લાગવાથી નરેશભાઈ જેમલભાઈ કોળી (ઉ.વ.24)નું મૃત્યુ થયું હતું. ભચાઉ
તાલુકાના નાની ચીરઈમાં કોઈ કારણસર સંજય રાજુકુમાર (ઉ.વ. 22)એ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું
હતું. અંજારમાં અગમ્ય કારણોસર લક્ષ્મીબેન રાજુભાઈ મઈંડા (ઉ.વ. 36)એ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું
કર્યું હતું. ગાંધીધામના મહેશ્વરીનગરમાં બનેલા બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હંસાબેન
મતિયાએ પોતાના ઘરમાં ગત તા. 21/11ના 6.30 વાગ્યાના
અરસામાં બાથરૂમમાં સાવરમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાદ્યો હતો. ગત તા. 20/11ના મૃતકની પુત્રી ખુશાલીએ ગળેફાંસો ખાઈ
મૃત્યુ પામી હતી, જેના આઘાતમાં માતાએ પણ જિંદગીનો અંત આણ્યો હોવાનું પોલીસે પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું હતું. અકસ્માત
મૃત્યુનો વધુ એક બનાવ કરમરિયા ગામ જવાના રોડ
ઉપર વાડીવિસ્તારમાં ગત તા. 21/11ના 9.30 વાગ્યાના
અરસામાં બન્યો હતો. નવી ભચાઉ હનુમાન મંદિર પાસે
રહેતા આ યુવાન બટ્ટીવાડી વિસ્તારમાં રૂમ સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજ વાયર તૂટી જતાં તેમને શોર્ટ
લાગ્યો હતો. તેમને સારવાર માટે લવાતાં ભચાઉ સરકારી હોસ્પિટલના ડો. દર્શને તેમને મૃત જાહેર કર્યા હતા.
નાની ચીરઈમાં યાહાળપુર કુલિંગ કંપનીની કોલોનીમાં ગત તા. 21/11ના આઠ વાગ્યાના અરસામાં અગમ્ય
કારણસર સંજયકુમાર નામના યુવાને પંખામાં મફલરનાં કપડાં વડે ગળેફાંસો ખાધો હતો. આ યુવાને
કયાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું હશે તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ અંજાર નગરપાલિકાના સામે ગત તા. 21/11ના ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. લક્ષ્મીબેન કોઈ કારણોસર ગળેફાંસો ખાધો હતો. પોલીસે
અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનું કારણ જાણવા વધુ તપાસ આરંભી છે.