• શનિવાર, 27 જુલાઈ, 2024

શિરવાના વેપારીનાં મૃત્યુના પગલે ગઢશીશા પોલીસ મથકે તંગ સ્થિતિ

ગઢશીશા (તા. માંડવી), તા. 20 : પંથકના દરશડી ગામે કપાસના વજનમાં વજનકાંટાને લઈ થયેલી બબાલમાં માંડવી તાલુકાના શિરવા ગામના હાસમ ઉમર સીરુ (ઉ.વ. 60) બેભાન થયા હતા અને હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામતાં આ મામલો પંથક ઉપરાંત કચ્છભરમાં ચર્ચામાં રહ્યો હતો અને આ મામલો આજે ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચતાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી તંગ બની હતી. જો કે, પોલીસ અધિકારીની ખાતરીના પગલે મામલો શાંત પડયો હતો. ગઢશીશા પોલીસ દ્વારા કેસમાં અકસ્માત મૃત્યુ નોંધી તપાસ આદરી મૃતદેહને એફએસએલ માટે જામનગર મોકલાયો હતો અને મૃતદેહ શનિવાર સાંજે ગઢશીશા પરત આવતાં પરિવારજનો અને શિરવા મુસ્લિમ જમાતના અગ્રણીઓ તથા અન્ય મુસ્લિમ આગેવાનોએ આ બનાવમાં યોગ્ય કલમ લગાડી જવાબદારો સોમ કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે મૃતદેહ મોડી સાંજ સુધી સ્વીકાર્યો ન હતો. જો કે, આ બનાવમાં પશ્ચિમ કચ્છ નાયબ પોલીસવડા રવિરાજસિંહ જાડેજાની મધ્યસ્થી અને સમાજના આગેવાનો તથા પરિવારજનોને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ન્યાયિક રીતે યોગ્ય કલમો લગાવી બનાવની પારદર્શક તપાસની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને રાત્રે નવ વાગ્યા બાદ મૃતદેહને શિરવા લઈ જવા તજવીજ હાથ ધરી હતી. નાયબ પોલીસવડાએ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સમાજના સંયમને બિરદાવ્યો હતો. આ બનાવને પગલે પશ્ચિમ કચ્છ એલ.સી.બી. પી.આઈ. એસ.એન. ચુડાસમા, ગઢશીશા પો.ઈ. કે.એસ. ચૌધરી, માંડવી પી.આઈ. શ્રી સિમ્પી, માનકૂવા પો.ઈ. ડી.એન. વસાવા, એસ.ઓ.જી પી.આઈ. વિનોદ ભોલા, ગઢશીશા પી.એસ.આઈ. એમ.કે. પરમાર, એલ.સી.બી.ના શ્રી ચૌધરી તથા ગઢશીશા, માનકૂવા, માંડવી પોલીસ સ્ટાફ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલના કર્મચારીઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત રહ્યા હતા. જો કે, ખુદ નાયબ પોલીસવડાએ મુસ્લિમ જમાતના શિસ્ત અને સંયમની પ્રશંસા કરી હતી અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસની હૈયાધારણ પણ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang