ભુજ, તા. 24 : બાળકોની સુરક્ષાનાં નામે રાજ્યની
શાળાઓમાં પ્રવેશ, ફોટો-વીડિયોગ્રાફી
અને બહારની વ્યક્તિઓની મુલાકાત પર નિયંત્રણ મૂકતા સરકારના પરિપત્રની હોળી કરી કચ્છ
જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ ભવન ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં
આ અંગેની વિગતો આપતા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આહીર અને જિલ્લા પ્રમુખ વી.
કે. હુંબલે જણાવ્યું હતું કે, શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે લાવતા
વાલીઓ, પત્રકારો અને જાગૃત નાગરિકોને શાળામાં પરવાનગી વિના પ્રવેશ
ન કરવા જેવા નિયંત્રણો લાદી ગુજરાત સરકાર દ્વારા શિક્ષણની નિષ્ફળતાઓ છુપાવવાના પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે. શ્રી હુંબલે જણાવ્યું કે, બાળકોની સુરક્ષા
અનિવાર્ય છે, પરંતુ બાળ સુરક્ષાના નામે શાળાઓની વહીવટી નિષ્ફળતાઓ
છુપાવવાનો કોઈને અધિકાર નથી. શાળાઓમાં શિક્ષકોની અછત, જર્જરિત
ઈમારતો, વર્ગખંડોની અછત, ગંદા શૌચાલયો,
પીવાના પાણીની સમસ્યા અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા જેવા પ્ર્રશ્નો સામે
આવે ત્યારે સરકાર જવાબદારી સ્વીકારવાના બદલે કેમેરા અને નાગરિકોની નજર પર નિયંત્રણ
મૂકવા વાજબી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, શાળાની વાસ્તવિક
સ્થિતિ લાવનારાઓને લેખિત મંજૂરી, મુલાકાત રજિસ્ટર અને ફોટો-વીડિયોગ્રાફી
પરવાનગીનાં નામે રોકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. વળી, રાજકીય
પ્રચાર, સરકારી કાર્યક્રમોમાં બાળકોની હાજરીનો ઉપયોગ થાય છે,
ત્યારે તેમની ગોપનીયતા અને સુરક્ષાના નિયમોનું પાલન થાય છે તેવો વેધક
સવાલ શ્રી હુંબલે ઊઠાવ્યો હતો. આ તકે સરકાર દ્વારા બહાર પડાયેલા પરિપત્રની હોળી કરી
વિરોધ નોંધાવાયો હતો. આ પ્રસંગે પક્ષના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી અને પ્રવક્તા ગનીભાઈ કુંભાર, જિલ્લા કોંગ્રેસ
શિક્ષણ સમિતિના ચેરમેન ખેતશી ગજરા ઉપસ્થિત રહ્યા હતા.