મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 20 : તાલુકાના
સાંગનારા ગામના સીમાડામાં દીપડાએ દેખા દેતાં માલધારીઓમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા
મળે છે. અગાઉ દીપડા દ્વારા માલધારીઓનાં પશુઓનું મારણ કર્યાના બનાવો બન્યા છે, ત્યારે આજે સવારે ફરી એકવાર સીમાડામાં ધોળા
દિવસે દીપડો જોવા મળતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત
થતી માહિતી મુજબ સાંગનારા સીમાડામાં વર્ષોથી દીપડાનો વસવાટ હોવાનું કહેવાય છે. સીમાડામાં
પશુઓ ચરાવવા જતા માલધારીઓ માટે દીપડાની હાજરી ચિંતાનો વિષય બની છે. આ અંગે માલધારી
લક્ષ્મણભાઇ રબારીએ જણાવ્યું હતું કે, પશુ ચારવા ગયેલા એક માલધારીએ
રવિવારે સાંજે દીપડો જોયો હતો. સીમાડામાં પશુધન સાથે વિચરતા માલધારીઓમાં ભયનો માહોલ
ઊભો થયો છે. ગામના સીમાડામાં દીપડાની સતત હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા
તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવે તેમજ દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું
ગોઠવવામાં આવે તેવી સ્થાનિક માલધારીઓ દ્વારા માંગ કરાઈ છે. સાંગનારા સરપંચ શંકરભાઈ
પટેલનો સંપર્ક કરતા તેમણે પણ ગામના સીમ વિસ્તારમાં તેમજ જડેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં
દીપડાનો વસવાટ હોઈ શકે છે. વન તંત્ર દ્વારા
તાકીદના ધોરણે દીપડાને પાંજરામાં પુરવાની કાર્યવાહી કરી પશુધનને નુકસાન થતું અટકે અને
લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા સરપંચે
વ્યક્ત કરી છે.