ભુજ, તા. 20 : ગૌવશંના ચારા માટે ભુજના આશાપુરા
મંદિરમાં નવરાત્રિ દરમ્યાન રોજ એક આસને 1પ કલાક નોબત વાદન કરનારા શૈલેશ જાનીએ તેમના અનુષ્ઠાનને દશેરાની
રાત્રિએ વિરામ આપ્યો હતો. 1પ1 કલાકના નોબત વાદન દરમ્યાન રૂા. 10 લાખ એકત્રિત થયા છે. વિજયાદશમીના
રાત્રે નોબત વાદનના સમાપને શ્રી જાનીનું સન્માન જનાદર્શનભાઇ દવેએ કર્યું હતું. તેમને
દેવલમા જીવદયા સત્સંગ સમિતિએ સન્માન્યા હતા. આશાપુરા મંદિરના પૂજારી શ્રી દવેએ આશીર્વાદ
આપતાં જણાવ્યું હતું કે, સારાં કામ
માટે મંદિરના દ્વાર હંમેશા ખુલ્લાં છે. વર્તમાન વર્ષમાં કચ્છના મોટા ભાગના તાલુકામાં
ઘણો ઓછો વરસાદ પડયો છે. જેનાથી સીમાડામાં ઘાસચારાની તંગી સર્જાઈ છે અને વળી કચ્છની
પાંજરાપોળમાં આશ્રિત અબોલ જીવોની હાલત પણ ઘાસચારા વગર કફોડી બની છે તેવી સ્થિતિને ધ્યાનમાં
લઈને આ સંગીધ સાધકે ગૌસેવાના લાભાર્થે કરેલા નોબત વાદન અનુષ્ઠાનમાં ગૌપ્રેમી ભાઈ-બહેનોએ
રૂા. દસ લાખનો ફાળો નોંધાવીને કપરા સમયમાં ગૌવંશની સેવામાં સહયોગી બન્યા હતા. રાજવી
પરિવારના સભ્યો, સાધુ-સંતો, રાજકીય આગેવાનો,
સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ અનુષ્ઠાન
દરમિયાન શ્રી જાનીને પ્રોત્સાહિત કર્યા હતા. દેવલમા સમિતિના સક્રિય કાર્યકરો અરવિંદ
ગોર, પ્રફુલ ઠક્કર, નરેન્દ્ર મોતા,
પ્રફુલ્લ જોશી, નવીન કેશવાણી, જયેશ જોશી તેમજ આશાપુરા મંદિર આરતી ગ્રુપના ભાઈઓ ફંડ એકત્રિત કામગીરીમાં જોડાયા
હતા. નોબત વાદન કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસા, સુંદરકાંડ,
દેવી ભાગવતના શ્લોકનું પઠન, કન્યા પૂજન સહિતનાં
આયોજન કરાયાં હતાં. સવાર-સાંજ મહિલા-પુરુષ દ્વારા મંદિરમાં ગવાતા બેઠા ગરબામાં પરિસર
ટૂંકુ પડયું હતું. સંચાલન સમિતિના વસંત અજાણીએ
કર્યું હતું. નોબત વાદન બાદ પણ શ્રી જાનીએ વધુ ગૌપ્રેમીઓના સંપર્ક દ્વારા ઘાસચારા માટે
અપીલ કરીને ગૌસેવાનાં કાર્યને આગળ વધારવા નિર્ધાર કર્યો છે. સાગર મહારાજ ધાર્મિક કાર્યના
આચાર્ય રહ્યા હતા.