• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

વધુ એકવાર ટ્રેઇલરમાંથી પાઇપો માર્ગ પર ખર્યા

ભુજ, તા. 29 : ભારેખમ વાહનમાં પાઇપો ભરી તેને સલામત રીતે ન બાંધીને ચાલતાં વાહને પડી જવાનો વધુ એક બનાવ આજે ભુજ-માંડવી માર્ગે શિવપારસ આગળ બન્યો હતો. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. એકાદ માસ પૂર્વે ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી સામે આ રીતે ભારે ટ્રેઇલરમાંથી ચાલતાં વાહને પાઇપો ખરી પડતાં કારને નુકસાન થયું હતું, જે અંગે કાયદેસરનો ગુનો પણ દાખલ થયો હતો. ત્યારે આ જ ઘટનાનું આજે ફરી પુનરાવર્તન શિવપારસ પાસે થયું હતું, જેમાં મુંદરાથી ખાવડા તરફ જતાં ટ્રેઇલરમાંથી પાઇપો ખરી પડતાં  પાછળ આવતો છકડો અડફેટે આવ્યો હતો. જો કે, સદ્ભાગ્યે મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. આમ બિનસલામત રીતે આવા પાઇપો ભરી દોડતાં વાહનો સામે આરટીઓ કે પોલીસ તંત્ર કોઇ જાતની તપાસ ન કરતા હોવાના આક્ષેપો ઊઠયા છે. આ રીતે બિનસલામત રીતે પાઇપોના વહન થકી ક્યારેક મોટી દુર્ઘટનાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પાઇપો બાંધવા નબળી દોરી વપરાઇ હતી. સુખપરના સામાજિક અગ્રણી  રામજીભાઇ વેલાણીએ આ ઘટના અંગે રોષ વ્યકત કરવા સાથે તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. આજે આ પાઇપો ટ્રેઇલરમાંથી ખરી પડતાં જાગૃતોએ ચાલકના લાયસન્સ અને ટ્રેઇલર અને માર્ગ પર ખરી પડેલા પાઇપના ફોટા પાડયા હતા. ટ્રેઇલરની આગળ કેબિન પાસે ટ્રેઇલર નંબર અને ટ્રેઇલરના ઠાંઠામાં પાછળના ભાગે નંબર અલગ-અલગ હતા. પાછળના ભાગે નંબર પર કોઇ પદાર્થ ભૂસવામાં પણ આવ્યા હોવાનું ફોટોમાં દેખાય છે. આમ કરવા પાછળનાં કારણો પણ જાણવા પોલીસે તપાસ કરવી જોઇએ તેવું પણ જણાવ્યું છે. રામજીભાઇએ આ રીતે દોડતાં ભારે ટ્રેઇલર વાહનોના નિયમો અંગે પણ સવાલો ઊઠાવી લેખિત રજૂઆત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કરી છે. ભુજ-માંડવી માર્ગે જ ચાલુ વર્ષે જ 12-5ના ટ્રેઇલરચાલકની બેદરકારી થકી ભારે ટ્રેઇલર  એક્ટિવાચાલક વિધિ વાઘેલાને લઇ એક કિ.મી. સુધી ઢસડી ગયું હતું. આ તો કરુણ ઘટનાનું ઉદાહરણ હોવાનું જણાવી આવા અનેક અકસ્માતો કચ્છના માર્ગો પર થતા હોવાથી અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યાનું પત્રમાં રામજીભાઇએ જણાવી ઉમેર્યું હતું કે, અગાઉ ભારે વાહનચાલક સાથે ક્લીનર રખાતા પરંતુ હવે તે પણ જોવા મળતા નથી. સાઇડ આપવા કે આસપાસ નજર રાખવા અને ડ્રાઇવરને ઝોકું આવે તો સચેત કરવાનું કામ ક્લીનર કરતા હોય છે. હવે તે ન રખાતા હોવાથી અકસ્માતો સર્જાયાના બનાવો વધી રહ્યા છે. નોંધનીય છે કે, કચ્છમાં ઔદ્યોગિક વિકાસ અને અનેક પવનચક્કીની કંપનીઓ આવી પહોંચતાં તેને લઇને ભારેખમ-વિશાળ યંત્રો મોટા-મોટા ટ્રેઇલરથી વહન થતા હોય છે ત્યારે તેને સલામત રીતે બાંધવા અત્યંત જરૂરી છે. આમા જરાસરખી ગફલતના લીધે માર્ગ પર આ રીતે દુર્ઘટના સર્જાય અને આસપાસ કે પાછળ આવતા વાહનો અને તેમાં સવાર માટે તો ઝળૂબતું ભારે જોખમ જ છે. આથી માર્ગ પર દોડતાં યમદૂત સમાન આવા વાહનોમાં વહન થતા ભારે યંત્રો સલામત રીતે બંધાયાં છે કે નહીં તેની કાળજી લઇને આરટીઓ તથા પોલીસ તંત્રએ ચકાસણી કરવી અત્યંત જરૂરી બની હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd