• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

છાત્રો પર બાર કાઉન્સિલ કાર્યવાહી ન કરી શકે : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) પાસે કાયદાના છાત્રો (લો સ્ટુડન્ટસ) વિરુદ્ધ  શિસ્તભંગની કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી. છાત્રોના આચરણ પર કાર્યવાહી કરવાનો અધિકાર તેમની યુનિવર્સિટી અથવા સંબંધિત શૈક્ષણિક સંસ્થાન પાસે છે, તેવું અદાલતે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી, વી. મોહનાની ખંડપીઠે કહ્યું હતું કે, 1961નો અધિવક્તા અધિનિયમ બીસીઆઈ કે રાજ્યની બાર કાઉન્સિને કાયદાના છાત્રો પર કાર્યવાહીનો કોઈ સ્પષ્ટ કે નિહિત અધિકાર આપતો નથી. સુપ્રીમ કોર્ટે બીસીઆઈ અધ્યક્ષ મનનકુમાર મિશ્રા તરફથી 13 ઓગસ્ટના જારી કરાયેલા આદેશને ગેરકાનૂની લેખાવ્યો હતો. હૈદરાબાદની નાલસર લો યુનિવર્સિટીની 2026 બેચના છાત્રો સાથે જોડાયેલા વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે આ ફેંસલો આપ્યો હતો. ખાસ ઉલ્લેખ કરવો રહે કે, આ યુનિવર્સિટીના છાત્રોએ પદવીદાન સમારોહમાં મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતને મુખ્ય અતિથિ બનાવવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)એ છાત્રોની વકીલ તરીકે નોંધણી રોકવા સાથે મામલાની તપાસનો નિર્દેશ આપ્યો હતો. આ મામલામાં હૈદરાબાદની યુનિવર્સિટીના બે પૂર્વ છાત્ર મિહિરા સૂદ અને અભિષેક તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. છાત્રોએ કહ્યું હતું કે, છાત્રો વિરુદ્ધ આવી કાર્યવાહીનો બીસીઆઈને અધિકાર નથી. અગાઉની સુનાવણીમાં ખુદ મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આ મામલામાં બીસીઆઈ દ્વારા દખલ સામે નારાજગી બતાવી હતી. 

Panchang

dd