ગાંધીધામ, તા. 3 : અંજારના એક ખેડૂતને વોટ્સએપ
પર આવેલી લગ્નની કંકોત્રીની પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી હતી. ઠગબાજોએ આવી
ફાઇલના બહાને ખેડૂતનો ફોન હેક કરી તેમના તથા તેમના દીકરાનાં ખાતાંમાંથી રૂા. 5,84,000 બારોબાર સેરવી લીધા હતા. અંજારના
અયોધ્યાનગર દબડા વિસ્તારમાં રહેનાર ખેડૂત શૈલેન્દ્રસિંહ જીતુભા જાડેજા ગત તા. 17/8ના ઘરે હતા ત્યારે તેમના પાડોશીના
વોટસએપ નંબર પરથી લગ્નની કંકોત્રીની પી.ડી.એફ. ફાઇલ આવી હતી જે આ આધેડ ખેડૂતે ડાઉનલોડ
કરતાં તેમનો ફોન હેક થઇ ગયો હતો અને ફોન પર કાબૂ રહ્યો ન હતો. આ ફોન બંધ ન થતાં તેમણે
તાત્કાલિક સિમકાર્ડ કાઢી લીધું હતું. બાદમાં અન્ય ફોનમાં સિમકાર્ડ નાખતાં ઓ.ટી.પી.
અને પૈસા ઊપડવાના મેસેજ તેમને આવ્યા હતા. તેમણે તરત જ 1930માં ફોન કરી તથા બેંકમાં ફોન
કરી ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમ્યાન, સાયબરઠગોએ આ આધેડના તથા તેમના દીકરાના જુદા
જુદા ખાતાંઓમાંથી રૂા. 5,84,000 બારોબાર
ઉપાડી લીધા હતા. ફરિયાદીએ કંકોત્રીની પી.ડી.એફ. મોકલનારા પાડોશીને પૂછતાં તેમનો પણ
ફોન હેક થયો હોવાનું અને તેમના ફોનમાંથી ઘણા લોકોને આ કંકોત્રી પહોંચી હોવાનું પણ બહાર
આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.