ગાંધીધામ, તા. 3 : પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે
દારૂ અંગેની બે કાર્યવાહી કરીને કુલ રૂા. 54,474નો દારૂ જપ્ત કરી બે શખ્સની અટક કરી હતી. જો કે, એક શખ્સ ગેરહાજર મળ્યો હતો. ગાંધીધામના ભારતનગર નજીક આવેલા સોનલનગર
મકાન નંબર 112માં પૂર્વ બાતમીના આધારે પોલીસે
છાપો માર્યો હતો. જો કે, પોલીસ આવતી
હોવાની જાણે ગંધ આવી ગઇ હોય તેમ આરોપી વિમલ મનોહર મકવાણા નામનો શખ્સ મકાનના દરવાજા
અડધા ખુલ્લા રાખીને સરકી ગયો હતો. આ મકાનમાંથી પોલીસે 8 પી.એમ.ના 208 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલનાં 92 ક્વાર્ટરિયા તથા બડવાઇઝરના
8 ટીન બિયર એમ કુલ રૂા. 43,152નો શરાબ જપ્ત કર્યો હતો. બીજી
કાર્યવાહી ભુજના કુનરિયા પાસે કરવામાં આવી હતી. લોડાઇ બાજુથી આવતા બે બાઇકચાલક પાસે
દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાઇકચાલકો કુનરિયા ગામના કાનજી
જખુ કોળી, ભરત ભચુ કોળીને ઝડપી પાડયા હતા. આ બંને પાસેથી
બિયરના 58 ટીન, 750 મિ.લિ.ની
પાંચ બોટલ તથા 4 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 11,322નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ
આ દારૂ ક્યાંથી લઇ આવ્યા હતા અને કોને આપવા જવાના હતા તે પોલીસ ઓકાવી શકી નહોતી.