• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

કચ્છના હાથસાળ-હસ્તકલાના સાત કારીગરને એવોર્ડ

અમદાવાદ, તા. 3 : ગુજરાત સરકારની કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ રાજ્યના હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રના કારીગરોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2025 માટેના એવોર્ડની જાહેરાત કરાઇ છે. આ યોજના અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ઉત્કૃષ્ટ કલાત્મક કામગીરી કરનાર કુલ 15 કારીગરોની પસંદગી કરાઇ છે, જેમાં 11 રાજ્ય કક્ષાના અને ચાર કારીગરોને ઝોન વાઇઝ એવોર્ડ આપી સન્માનિત કરાશે. રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી પામેલા કારીગરો પૈકી ટેકસટાઈલ ક્ષેત્રે હાથવણાટ ક્રાફટના સ્ટોલ નમૂના માટે કચ્છના સુનીલ દિનેશ મંગરિયાને પ્રથમ પારિતોષિક અને કચ્છી એમ્બ્રોઇડરી ક્રાફટના વોલપીસ માટે કચ્છના પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક અપાશે તેમજ  મડ મિરરવર્ક ક્રાફટના `સર્જન ધ ક્રીએશન' નમૂના માટે કચ્છના પૂજા નવીનભાઇ ચૌહાણને પ્રથમ પારિતોષિક, મહિલા કેટેગરીમાં મશરૂ વણાટ ક્રાફટના સ્ટોલ માટે કચ્છના પૂજા શંકર ધોરિયા તથા યુવા કારીગર કેટેગરીમાં લુડિયા વૂડ કાર્વિંગ ક્રાફટના `હાથકોતરણી ઝરૂખો' નમૂના માટે કચ્છના વિજય જેમલ મારવાડા તેમજ લુપ્ત થતી કલા કેટેગરીમાં ટાંગલિયા ક્રાફટની `કચ્છી ટાંગલિયા શાલ' માટે કચ્છના જિતેન્દ્ર મગનભાઇ ધેયડાની એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. વર્ષ 2025 માટે હાથસાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા કુલ ચાર ઝોનવાઈઝ કેટેગરીમાં પ્રથમ પારિતોષિક માટે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં રોગાન આર્ટ ક્રાફટના `ટ્રી ઓફ લાઇફ' નમૂના માટે અબ્દુલહમીદ આરબ ખત્રીની પસંદગી કરાઇ છે. 

Panchang

dd